– જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ તોડી પાડી
– ભારત સાથે સરહદ પર ચાલતી વાટાઘાટોમાં દબાણ સર્જવાનો ચીન પ્રયત્ન કરતું હોવાનો વિશ્લેષકોનો મત
બૈજિંગ : ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ કરાકોરમ પઠારની અંદર ભારતીય એલએસીની પાસે એક મિસાઇલને હવામાં જ ખતમ કરી દેવાનું પરીક્ષણ કર્યુ છે. ચીનના નિરીક્ષકોનું કહેવું છે કે પીએલએએ ભારતીય લશ્કરને સંદેશો આપવા માટે આ પગલું લીધું છે. ચીને આ પરીક્ષણ ત્યારે જ કર્યુ છે જ્યારે બંને પક્ષો વચ્ચે બૈજિંગમાં લશ્કરી સરહદને લઈને વાતચીત ચાલી રહી છે.
રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન યોજાઈ રહ્યું છે અને તે પહેલાં ભારત-ચીન વચ્ચેના મંત્રણાનો દોર વધુ વ્યાપક બન્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં નરમાઈ આવે છે તો પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત પણ થઈ શકે છે. આ સંજોગોમાં પીએલએના ટેસ્ટથી તનાવ વધી શકે છે.
ચીનની સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે પીએલએ તેના લાઇવ ફાયર અભ્યાસ હેઠળ આ મિસાઇલ પરીક્ષણ કર્યુ. આ દરમિયાન સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલનું પણ કારાકોરમ પઠારમાં પરીક્ષણ કરવામાં આવ્યું. ચીને આ મિસાઇલનું પરીક્ષણ શિન્જિયાંગ મિલિટરી ડિસ્ટ્રિક્ટમાં કર્યુ, જે પશ્ચિમ વિસ્તારમાં સલામતી માટે જવાબદાર છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ આ ટેસ્ટમાં એક સબસોનિક ક્રૂઝ મિસાઇલના પહેલી વખત ૫,૩૦૦ મીટરની ઊંચાઈએ તોડી પાડવામાં આવ્યું. તેણે દાવો કર્યો કે ચીનના લશ્કરનું આ સફળ પરીક્ષણ બતાવે છે કે તેની ઇન્ટરસેપ્ટર મિસાઇલ ખરાબ વાતાવરણમાં પણ અસરકારક છે.
વિશ્લેષકોનું કહેવું છે હવે ચીને જે સ્થળે પરીક્ષણ કર્યુ છે તે ભારતની એલએસીની પાસે છે. આવામાં તે ચીનની પ્રતિરોધક રણનીતિનો હિસ્સો છે. ચીન અને ભારત વચ્ચે ૩,૪૮૮ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખાને લઈને વિવાદ છે. ગલવાન હિંસા પછી બંને દેશોના હજારો સૈનિકો આમનેસામને છે.