Jamnagar : જામનગરમાં સ્વામીનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત રોડને કાઢવા માટે નવાગામ ઘેડથી ગાંધીનગર વિસ્તારના 331 મકાનોને તોડવાની તંત્રની તૈયારી સામે સ્થાનિક લોકોએ સંગઠિત થઈને લડત સમિતિ બનાવી છે, જે સમિતિ દ્વારા આવતી કાલે ગાંધી જયંતિના દિવસ તા.02 ઓક્ટોબરની સવારે 8:30 વાગ્યે ગાંધીનગરના આશાપુરા માતાજીના મંદિર સામેથી સ્વામીનારાયણનગર સુધીની મૌન રેલી યોજીને લોક લડતનો આરંભ કરવાની નિર્ધાર કર્યો છે.
મનપા દ્વારા વર્ષ 2019માં નવાગામ ઘેડ-ગાંધીનગર વિસ્તારના 500થી વધુ રહિશોને 30 મીટરનો ડીપી રોડ કાઢવા આખા મકાનો અથવા તેના હિસ્સા દુર કરવા નોટીસો અપાઈ હતી. પરંતુ લોકજુવાળ પેદા થઈ ગયો હતો, અને સ્થાનિક વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાના તંત્રને આવેદન આપી, કમિશનરને મૌખિક રજુઆતો કરીને આ કપાત રોકવા માંગણી કરી હતી. સાથે સાથે હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં 241 લોકો જોડાયા હતા. ત્યારબાદ આ પ્રકરણ ટાઢું પડી ગયું હતું. પરંતુ હવે ફરી કોર્પોરેશને અગાઉના 30 મીટરવાળા ડીપી રોડને 12 મીટર કર્યા બાદ કપાતમાં આવતા 331 આસામીઓના મકાનો દુર કરવા નોટીસ આપી છે. ત્યારે સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં જ તંત્ર દ્વારા બોલાવાયેલી બેઠકમાં અંદાજે 175 થી વધુ લેખિત વાંધા રજુ કર્યા છે. મોટાભાગના લોકોએ તંત્રને આ કપાત અટકાવવા રજુઆતો કરી છે.
તંત્ર સામે હવે લોકો સંગઠીત થયા છે, અને આવતી કાલે ગાંધી જયંતિના દિવસે મૌન રેલી દ્વારા ગાંધીજીની લડતને અનુસરીને જામનગર મહાનગરપાલિકા સામે લડતના મંડાણ કર્યા છે. તેમ લડત સમિતિના કન્વિનર વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે, અને તમામ સ્થાનિક આધારકર્તાઓને મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે.