– 35 વર્ષ જૂનું મકાન નવું બનાવવા માંગણી
– છત પરથી પોપડાં પડતાં દર્દીઓને જાનહાનિની ભીતિ, કર્મચારીઓ ભય વચ્ચે કામ કરવા મજબૂર
ઠાસરા તાલુકાના છેવાડાના સૈયાત ગામની વસ્તી અત્યારે આશરે ૬૦૦૦ની આસપાસ છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા કેન્દ્રનું મકાન ૩૫ વર્ષ જૂનું હોવાથી જર્જરિત બન્યું છે. મકાનમાં મોટી તિરાડો પડી ગઈ છે. બારી- બારણાં પણ તૂટી ગયા છે. ચોમાસામાં પાણી ટપકવાના લીધે આરોગ્યના સાધનો, દવાઓ, સ્ટેશનરી પણ પલળી જાય છે. છત પરથી આરસીસીના પોપડા દર્દીઓ સારવાર લે છે તે પલંગ પર પડતા જાનહાનિનો ખતરો રહેલો છે. ભારે વરસાદમાં દર્દીઓની સારવાર કરવાના બદલે કર્મચારીઓ ફ્લોર પર ભરાયેલા પાણી ઉલેચવા મજબૂર બને છે. આસપાસ કોઈ દવાખાનું ન હોવાથી સૈયાત ગામના લોકોને નાછૂટકે બીતા બીતા સારવાર માટે અહીં આવવું પડે છે. બીજી તરફ ડાકોર સિવિલ હોસ્પિટલમાં પૂરતા વિભાગો ચાલુ ન હોવાથી પણ નાછૂટકે ગ્રામજનોએ અહીં સારવાર લેવી પડે છે. ત્યારે સૈયાત પેટા કેન્દ્રનું મકાન નવું બનાવાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.