Vadodara Crime : વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામ પાસેથી પસાર થતા એક વિદેશી વિદ્યાર્થીને રોકીને ગામના કેટલાક શખ્સોએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ભાષાની ગેરસમજના કારણે ઝઘડો થયા બાદ ગામના લોકોએ વિદેશી વિદ્યાર્થીને લાકડી તેમજ લોખંડની પાઇપોથી બેરહેમીપૂર્વક મારી ઈજા પહોંચાડી હતી.
વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામે શુભ પ્લાઝા ખાતે રહેતો તેમજ મૂળ ન્યૂગીનીના વિદ્યાર્થી પાયો એરીકે આકડીયાપુરા ગામમાં રહેતા મહેશ મથુર પરમાર, જગદીશ અંબાલાલ પરમાર, સુનિલ મણીલાલ વસાવા, રાહુલ મણીલાલ વસાવા તેમજ અન્ય 10 માણસો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં બીએસસી ન્યુરોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. રવિવારની રજા હોવાથી હું મારા મિત્રની સાઈકલ લઈને સવારે વાઘોડિયા ગામમાં ફરવા માટે નીકળ્યો હતો. ફરતા-ફરતા વાઘોડિયાથી આગળ નીકળી જઈ કેનાલવાળા રોડ પર જતો હતો ત્યારે આકડીયાપુરા ગામના કેટલાક લોકોએ મને ઉભો રાખી પૂછપરછ કરતા હતા, પરંતુ તેઓની ભાષા મને ખબર પડી ન હતી અને હું અંગ્રેજીમાં વાત કરતો હતો. તેઓ મારી ભાષા સમજી શકતા ન હતા. આ ગેરસમજના કારણે તેઓ મોટેથી બોલી મને અપશબ્દો કહેતા હતા. દરમિયાન ગામના લોકો મને મારશે તેવી બીકે હું સાઇકલ લઈને ભાગવા જતો હતો ત્યારે મારો પીછો કરી ગામના લોકોએ પકડી લીધા બાદ લાકડી અને લોખંડની પાઇપથી તેમજ ઢોર માર માર્યો હતો. આ વખતે ત્યાંથી કોલેજના એક પ્રોફેસર પસાર થતાં તેઓ મને ઓળખી ગયા હતા અને ગામ લોકોને સમજાવી મને વધુ મારથી બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોલીસે ઉપરોક્ત ગુનાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.