Height of Mount Everest : વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યારથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી રહી છે. ચાલો જાણીએ કે કયા કારણસર આમ થઈ રહ્યું છે.
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેમ વધી રહી છે?
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધારવામાં કારણભૂત બની છે એક નદી. જી, હા. નદી! નવાઈ લાગે એવી વાત છે પણ હકીકત છે. વર્તમાનમાં માઉન્ટ એવરેસ્ટની સૌથી નજીક વહેતી નદી છે કોસી નદી, જે માઉન્ટ એવરેસ્ટ સહિત બીજા શિખરોની પણ ઊંચાઈ વધારવામાં ફાળો આપી રહી છે.
આ કારણસર વધી રહી છે ઊંચાઈ
89,000 વર્ષ અગાઉ માઉન્ટ એવરેસ્ટની સૌથી નજીક વહેતી નદી હતી અરુણ, જે સમય જતાં કોસીમાં ભળી ગઈ હતી. બન્ને નદીઓએ ધીમેધીમે હિમાલયને કોતરવા માંડ્યો અને એ કોતરકામને લીધે હિમાલય ‘કપાતો’ ગયો, જેને પરિણામે વિશાળ ખીણ(ઘાટી)નું નિર્માણ થયું. આ સમગ્ર ઘટનાક્રમ 89,000 વર્ષથી ચાલતો રહ્યો છે. નદીના કોતરકામને પરિણામે હિમાલયનું દ્રવ્ય સતત ઘટતું જાય છે, જેથી હિમાલય હળવો થતો જાય છે. હિમાલયનું વજન ઘટતાં એના પર લાગતાં ‘મેન્ટલ’ (પૃથ્વીના પોપડા અને કેન્દ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવતું ખડકો અને બરફનું જાડું સ્તર)નું તીવ્ર દબાણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધી જાય છે. મેન્ટલનું દબાણ માઉન્ટ એવરેસ્ટ સહિત એની આસપાસના શિખરોને ઊંચા ઉઠાવે છે. ઊંચાઈ સતત વધતી જ જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને ‘આઇસોસ્ટેટિક રીબાઉન્ડ’ કહેવાય છે.
ટેક્ટોનિક બળ શું છે?
ટેક્ટોનિક બળના ત્રણ પ્રકાર છે- વિભિન્ન બળ (ડાયવર્જન્ટ ફોર્સ), કેન્દ્રાભિસારી બળ (કન્વર્જન્ટ ફોર્સ) અને રૂપાંતરિત બળ (ટ્રાન્સફોર્મ ફોર્સ).
1) વિભિન્ન બળ (ડાયવર્જન્ટ ફોર્સ) – જ્યારે બે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી દૂર ખસે છે, ત્યારે ડાયવર્જન્ટ ટેક્ટોનિક બળ સર્જાય છે, જેના કારણે જમીન પર ઊંડી ખીણ બની છે. દા.ત. આ બળને કારણે નર્મદા ખીણ બની છે.2) કેન્દ્રાભિસારી બળ (કન્વર્જન્ટ ફોર્સ) – જ્યારે બે ટેક્ટોનિક પ્લેટ એકબીજા તરફ આગળ વધે છે, ત્યારે કન્વર્જન્ટ ટેક્ટોનિક બળ સર્જાય છે. દા.ત. આ બળના કારણે હિમાલય પર્વત બન્યો છે. 3) રૂપાંતરિત બળ (ટ્રાન્સફોર્મ ફોર્સ) – જ્યારે બે ટેક્ટોનિક પ્લેટ એકબીજા સાથે ઘસાઈને એકમેકથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, ત્યારે ટ્રાન્સફોર્મ ટેક્ટોનિક બળ સર્જાય છે. દા.ત. કેલિફોર્નિયાની સાન એન્ડ્રિયાસ ફોલ્ટ.
દર વર્ષે આટલો ઊંચો થઈ રહ્યો છે એવરેસ્ટ
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,849 મીટર છે. કોસી નદીને પ્રતાપે એવરેસ્ટની ઊંચાઈમાં દર વર્ષે 2 મિલિમીટરનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 89000 વર્ષમાં તેની ઊંચાઈ 15થી 50 મીટર જેટલી વધી છે. કોસી નદી જેમ જેમ ઊંડી કોતર બનાવતી જાય છે, તેમ તેમ એવરેસ્ટ વધુને વધુ ઊંચો થતો જાય છે.
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, આઇસોસ્ટેટિક રીબાઉન્ડની અસર ફક્ત એવરેસ્ટ ઉપર જ નહીં, એના પડોશી શિખરો પર પણ થઈ રહી છે. આને લીધે વિશ્વનું ચોથા નંબરનું સૌથી ઊંચું શિખર ‘લોત્સે’ અને પાંચમા નંબરનું સૌથી ઊંચું શિખર ‘મકાલુ’ પણ ઊંચા થઈ રહ્યા છે.