– અમેરિકા વિઝા ઇન્ટરવ્યુનો સમયગાળો ઘટાડવા સક્રિય
– અમેરિકાએ ગયા વર્ષે 1.4 લાખ ભારતીયોને સ્ટુડન્ટ્સ વિઝા જારી કર્યા, જે બીજા કોઈપણ દેશ કરતાં વધુ
નવી દિલ્હી : અમેરિકન રાજદૂતાવાસે સોમવારે જાહેરાત કરી હતી કે તે સમયસર ઇન્ટરવ્યુ લઇ શકાય તે માટે અને પ્રવાસની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલ માટે વધારાની અઢી લાખ વિઝા એપોઇન્ટમેન્ટ જારી કરશે. કોરોના પછી લગભગ બધી જ કેટેગરીમાં વિઝા અરજીમાં વધારો થયો છે. અમેરિકા વિઝા ઇન્ટરવ્યુનો સમયગાળો ઘટાડવા માટે ૨૦૨૧થી જરૂરી પગલાં લઈ રહ્યું છે.
અમેરિકન વિઝા માટેના આટલા જંગી વોલ્યુમનો અર્થ એવો થાય છે કે ૨૦૨૧થી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં તેના વેઇટિંગ પીરિયડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ અમેરિકા દ્વારા સળંગ બીજા વર્ષે જારી કરવામાં આવેલા દસ લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝામાં સૌથી વધુ હિસ્સો ભારતીયોનો રહેશે.
ઉદાહરણ તરીકે જોઈએ તો આ વર્ષે અમેરિકાએ ભારતીયોને વિક્રમજનક સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. ભારતીયોને જારી કરેલા સ્ટુડન્ટ વિઝાના તો ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ગયા વર્ષે અમેરિકાએ ૧.૪ લાખ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતા, જે ગયા વર્ષે કોઈપણ દેશે જારી કરેલા વિઝા કરતાં વધારે છે.
યુએસ એમ્બેસીએ સોમવારે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ વિઝા સીઝન ૨૦૨૪ મુજબ અમે આ વખતે વિક્રમજનક સંખ્યામાં વિદ્યાર્થીઓને રુપિયા આપ્યા છે.
આ સાથે પહેલી જ વખત બધા વિદ્યાર્થી અરજદારોને પાંચમાંથી એક રાજદૂતાવાસની એપોઇન્ટમેન્ટ મેળવવામાં સફળતા મળી હતી.ભારતમાં અઢી લાખ વિઝા અરજી સાથે અમેરિકાએ સળંગ બીજા વર્ષે દસ લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા છે. ૨૦૨૪માં લગભગ દસ લાખ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ ખેડયો હતો. આ આંકડો ૨૦૨૩ કરતાં ૩૫ ટકા વધારે છે. લગભગ ૬૦ લાખ ભારતીયો નોન-ઇમિગ્રન્ટ વિઝા ધરાવે છે અને હજારો લોકો તેનો દૈનિક ધોરણે ઉપયોગ કરે છે.