Israel Ground Operation Lebanon: હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહની હત્યા કર્યા બાદ હવે ઇઝરાયલી સેના લેબેનોનમાં ઘૂસી ગઈ છે. ઈઝરાયલે આ ગ્રાઉન્ડ ઓપરેશન દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલના સમય અનુસાર રાત્રે 10 વાગ્યે પ્રવેશ કરીને શરૂ કર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લેબેનીઝ આર્મીને બોર્ડર પરથી ઓછામાં ઓછા 5 કિમી દૂર ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઈઝરાયલી આર્મીએ જ આપી આ ઓપરેશનની જાણકારી
આ ઓપરેશનની જાણકારી ઇઝરાયલી આર્મી (IDF) એ સવારે 4.32 વાગ્યે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. ઈઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કાર્યવાહી સચોટ ગુપ્ત માહિતીના આધારે સંપૂર્ણપણે સ્થાનિક અને ટાર્ગેટ ગ્રાઉન્ડ રેડ છે. આ વિસ્તારો સરહદની નજીકના ગામોની નજીક છે તેની ઉત્તર ઇઝરાયલને ખતરો વધુ છે.
IDF એ જણાવ્યું હતું કે ઈઝરાયલની એરફોર્સ અને IDF આર્ટિલરી આ વિસ્તારમાં સૈન્ય પર હુમલાઓ સાથે જમીન દળોને સમર્થન આપી રહી છે. આ કામગીરી રાજકીય નિર્ણયના કારણે હાથ ધરવામાં આવી રહી છે. IDFનું કહેવું છે કે યુદ્ધના લક્ષ્યને હાંસલ કરવા માટે અમારું કામ ચાલુ રાખીશું. આ ઉપરાંત ઇઝરાયલ તેના નાગરિકોની સુરક્ષા અને ઉત્તર ઇઝરાયલના નાગરિકોની રક્ષા કરવાના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: મિત્રએ જ દગો કર્યો ? ઈરાનના જાસૂસે જ ઈઝરાયલને નસરૂલ્લાહનું ગુપ્ત સ્થળ કહી દીધું ?
હિઝબુલ્લાહહ ચીફના મૃત્યુ પછી ઇઝરાયલ કડક વલણ
સોમવારે, એવા સંકેતો મળ્યા હતા કે ઈઝરાયલ લેબનોનમાં સૈનિકો મોકલવાની તૈયારીમાં છે. બે અઠવાડિયાના સતત હવાઈ હુમલાઓ અને હિઝબુલ્લાહહ ચીફના મૃત્યુ પછી, ઇઝરાયલે વધુ કડક વલણ અપનાવ્યું છે, જે સંકેત આપે છે કે જમીન હુમલો પણ થઇ શકે છે.
મિડલ ઇસ્ટમાં મોટા યુદ્ધની આશંકા: રશિયા
મિડલ ઇસ્ટમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે, રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે ઈઝરાયલ લેબનોનમાં સૈનિકો મોકલવાની તૈયારીમાં છે. જોકે, રશિયાએ સોમવારે નસરલ્લાહની હત્યાની નિંદા કરી અને કહ્યું કે અમને મિડલ ઇસ્ટમાં મોટા યુદ્ધની આશંકા છે.