Guru Randhawa: સિંગર અને એક્ટર ગુરુ રંધાવાની બહુચર્ચિત ફિલ્મ ‘શાહકોટ’નું ટ્રેલર રવિવારે રિલીઝ થયા બાદ ઘણી જગ્યાએ તેનો વિરોધ જોવા મળ્યો હતો. ગુરુ રંધાવાએ આ અંગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જો આપણે સિનેમાને સમર્થન આપીશું તો સિનેમાનો વિકાસ થશે. મેં આ પંજાબી ફિલ્મ દિલથી કરી છે અને શાહકોટ મારી પહેલી પંજાબી ફિલ્મ છે. હું તમામ લોકોને અપીલ કરું છું કે ફિલ્મ જોઈને અમને સપોર્ટ કરો જેથી કરીને અમે ભવિષ્યમાં વધુ સારી ફિલ્મો બનાવી શકીએ.’
અમુક લોકોએ ટ્રેલર જોઇને મંતવ્યો બનાવી લીધા છે:
કેટલાક લોકોનું કહેવું છે કે આ ફિલ્મ પાકિસ્તાનના પક્ષમાં છે. આ બાબતની સ્પષ્ટતા કરતા સિંગરે કહ્યું કે, ‘કેટલાક લોકો આખી વાત જાણ્યા વગર પોતાના મંતવ્યો બનાવી લે છે. મને ખબર નથી કે તેમણે ટ્રેલરમાં શું જોયું કે જેનો આટલો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ ફિલ્મમાં વિરોધ કરવા જેવું કંઈ નથી. આ ખૂબ જ પ્યાર-મોહબ્બતવાળી ફિલ્મ છે. આવી ફિલ્મો ભૂતકાળમાં પણ બની છે અને ભવિષ્યમાં પણ બનતી રહેશે. જે લોકો વિરોધ કરી રહ્યા છે, તેમની મૂંઝવણ ફિલ્મ જોયા પછી દૂર થશે.’
સિંગરે આ ફિલ્મ વિષે કહ્યું કે, ‘જે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમને એવું લાગે છે કે આ ફિલ્મ અલગ દિશામાં જઈ રહી છે પરંતુ એવું કશું જ નથી, હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે તમે જાતે જ ટિકિટ લઈને જાવ, નહીં તો હું તમને ટિકિટ મોકલી આપીશ.’
આ પણ વાંચો: ભૂલથી ગોળી ચાલી ગઈ, પણ હવે…: ધ્રૂજતાં સ્વરે બોલ્યા ગોવિંદા, ઓડિયો વાઇરલ
શિવસેનાના પંજાબ યુનિટ દ્વારા વિરોધ
ગુરુ રંધાવાની અનિરુદ્ધ મોહતા દ્વારા નિર્મિત આ ફિલ્મ શાહકોટ 4 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઈને હાલમાં જ શિવસેનાના પંજાબ યુનિટે વિરોધ કર્યો હતો. જેમાં પ્રદર્શનકારીઓએ ફિલ્મના પોસ્ટરો પણ સળગાવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરોધીઓએ સેન્સર બોર્ડની પણ ટીકા કરી છે અને ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવાની માંગ કરી છે.
જો ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં ગુરુ રંધાવા સાથે એશા તલવાર, રાજ બબ્બર, ગુરશબ્દ હરદીપ ગિલ, સીમા કૌશલ, નેહા દયાલ અને મનપ્રીત સિંહ પણ છે.