હોસ્પિટલ, રેલવે અને પોલીસે મળીને ગ્રીન કોરિડોર રચ્યો
સુરતની બાળકીનું લીવર મુંબઈના દર્દીને, આંખો સુરતના દર્દીઓને તથા બંને કિડની અમદાવાદના જરુરતમંદોને અપાતાં એકસાથે પાંચને જીવતદાન
મુંબઈ : સુરતમાં આવેલી સુખશાંતિ સોસાયટીમાં રહેતાં મયુર અને મનીષા ઠુંમર નામના દંપતીને ઘરે બેબી ગર્લનો જન્મ થયો હતો. સોમવારે દીકરીનો જન્મ થયો અને શુક્રવારે દીકરીને ડોક્ટરોની ટીમે બ્રેઈન ડેડ જાહેર કરી હતી. એથી આ છ દિવસથી દીકરીના અવયવો ડોનેટ કરવાની ઉદારતા દંપતીએ દાખવી હતી. ઉલ્લેખનીય છે કે માત્ર છ દિવસની આ દીકરીનું લિવર સુરતથી છેક મુંબઈ ટ્રેનથી આવ્યું હતું. એના માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બાળકીનાં લીવર, બન્ને કિડની અને બન્ને ચક્ષુઓનું દાન કરાયું હોવાથી પાંચ જણને નવજીવન મળ્યું છે.
સુરતમાં મયુર ઠુંમર પ્લંબિંગનું મજુરીનું કામ કરે છે. ૨૩ સપ્ટેમ્બરના રાતે સાડા આઠ વાગ્યે મનીષા ઠુંમરને નોર્મલ ડીલીવરી સાથે બેબી ગર્લનો જન્મ થયો હતો. એ હોસ્પિટલથી બેબીગર્લને તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર બાદ ગત તા. ૨૭ સપ્ટેમ્બરના બેબીગર્લને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઈન ડેડ જાહેર થવાની સાથેજ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ ઓર્ગન ડોનેશન સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. પરિવારને સમજણ આપ્યા બાદ આ દંપતી અને પરિવારના સભ્યોએ અવયવો દાન કરવા સંમતિ આપી હતી.
પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરી અને સોટો ગુજરાત દ્વારા લિવર મુંબઈનાણાવટી હોસ્પિટલઅ ને બન્ને કિડનીઅમદાવાદ આઈકેડીઆરસી, બન્ને આંખો નું દાન સુરતની લોક્દ્રષ્ટિ ચક્ષુબેન્કમાં કરવામાં આવ્યું હતું. ગણતરીની મિનીટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીન કોરીડોર અને સુરતથી અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મુંબઈ લિવરને તાત્કાલિક પહોંચાડવા રેલવે ઓથોરીટી અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ૧૦૦ કલાકના બાળકનું અંગદાન અને ૧૨૦ કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું . ભારતમાં નાની વયે આ ત્રીજું અંગદાન હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.
આ અંગદાન વિશે મયુર ઠુંમરે ‘ગુજરાત સમાચાર’ને કહયું હતું કે ‘ અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. સમાજને બીજું કંઈ નહીં પણ આ રીતે નિર્ણય લઈને મદદરૃપ બન્યા છીએ. દીકરી તો નહીં રહી પણ તેના અવયવો અન્યને જીવન દાન આપ્યું એ અમારા માટે મહત્ત્વનું છે