IND vs BAN: બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. વિકેટકીપર બેટર ઈશાન કિશનને ફરી નિરાશા મળી હતી, કારણે કે, ટીમમાં તેને સ્થાન નથી મળ્યું. ઈશાને તેની છેલ્લી મેચ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાન નીકળી ગયો હતો
જે બાદ ઈશાન માનસિક થાકનું કારણ આપી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વચ્ચેથી હટી ગયો હતો. એ પછી ટીમ ઈન્ડિયાએ જ્યારે અફઘાનિસ્તાન સામે ટી-20 સીરીઝ રમી, ત્યારે ઈશાન કિશનને તેમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેમજ એ દરમિયાન તેણે સ્થાનિક ક્રિકેટ રમવામાં પણ કોઈ રસ નહોતો દાખવ્યો.
ઈશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો
ત્યાર બાદ ઈશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે પછી ઈશાન કિશન ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યો છે. ઈશાન હાલમાં જ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી છે. બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઈશાને મધ્યપ્રદેશ સામેની મેચમાં ઝારખંડ તરફથી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-સી માટે સદી ફટકારી હતી.
તો, ઈરાની અને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે
હવે ઈશાન પાસે ઈરાની ટ્રોફી અને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને જવાબ આપવાની તક છે. ઈશાનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 2 ટેસ્ટમાં 78 રન, 27 ODIમાં 933 રન અને 32 T20 મેચમાં 796 રન બનાવ્યા છે.