SBI Special Fixed Deposit: સુરક્ષિત રોકાણ અને આકર્ષક રિટર્ન મામલે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ અત્યંત પ્રચલિત છે. પોતાની કમાણીને જોખમમાં ન મૂકવાના ઇરાદા સાથે ઘણા લોકો બૅન્ક એફડીમાં રોકાણને પ્રાધાન્ય આપતા હોય છે. જો કે, એફડીમાં વ્યાજના દરો નજીવા હોવાથી રિટર્ન ખૂબ ઓછું મળે છે. આ સમસ્યાની નોંધ લેતાં કેટલીક બૅન્કો દ્વારા એફડી રેટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. આવી જ એક બૅન્ક એફડી સુરક્ષિત રિટર્ન પ્રદાન કરી રહી છે.
ડેડલાઇન લંબાવાઈ
દેશની ટોચની સરકારી બૅન્ક SBIની 400 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતાં તેની ડેડલાઇન લંબાવવામાં આવી છે. SBI અમૃત કળશ એફડી સ્કીમ આ 30 સપ્ટેમ્બરે બંધ થવાની હતી, પરંતુ તેની ડેડલાઇન હવે લંબાવી 31 માર્ચ-2025 કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઈન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત લંબાવાઈ
આકર્ષક વ્યાજના દરો
SBIની આ 400 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમમાં સામાન્ય ગ્રાહકોને 7.10 ટકા અને વરિષ્ટઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ મળે છે. SBI અમૃત કળશ યોજના 12 એપ્રિલ, 2023માં રજૂ કરવામાં આવી હતી. જે 23 જૂન, 2023ના રોજ બંધ થવાની હતી. પરંતુ તેમાં વધારો કરતાં ડેડલાઇન 31 ડિસેમ્બર-23 કરવામાં આવી હતી. બાદમાં 31 માર્ચ-24 અને અંતે 30 સપ્ટેમ્બર-24 થઈ હતી. જો કે, હવે ફરી ડેડલાઇન લંબાવી 31 માર્ચ, 2025 કરવામાં આવી છે.
SBI અમૃત કળશ યોજના
SBI અમૃત કળશ યોજનામાં સામાન્ય ગ્રાહકોને રૂ. 2 લાખ સુધીની એફડી પર 400 દિવસની મેચ્યોરિટી પર રૂ. 18532 વ્યાજ અર્થાત્ રૂ. 218532નું રિટર્ન મળે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને રૂ. 19859 વ્યાજ મળવાપાત્ર છે. પ્રિ-મેચ્યોર ઉપાડ પર વ્યાજનો દર 0.50 ટકાથી 1 ટકા ઘટે છે. ઉલ્લેખનીય છે, કોઈપણ ગ્રાહક 2 કરોડ સુધીની એફડી કરાવી શકે છે.