IPL 2025, Hardik Pandya : BCCIની IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા રિટેન્શનના નિયમો જાહેર કરી દેવાયા છે. ત્યારબાદ હવે ક્રિકેટના નિષ્ણાતો અને ખેલાડીઓ આ વિશે તેમના અભિપ્રાય આપી રહ્યા છે. BCCIએ 6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી છે. જેથી કરીને હવે ફ્રેન્ચાઇઝીએ આ અંગે નિર્ણય લેવો પડશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું ભવિષ્ય ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયું છે. મુંબઈની ટીમ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને તિલક વર્મા જેવા ખેલાડીઓની હાજરીને કારણે પરેશાન છે. તેમને રિટેન રાખવા માટે ટીમે આકરા નિર્ણયો લેવા પડશે.
આ દરમિયાન ક્રિકેટ કમેન્ટેટર અને ભૂતપૂર્વ ભારતીય બેટર આકાશ ચોપડાનું માનવું છે કે મુંબઈએ વર્તમાન સમયમાં કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને મોટો નિર્ણય લેવો પડશે. ઘણાં લોકોનું માનવું છે કે નવી સિઝન પહેલા હાર્દિક મુંબઈનો નંબર-1 રિટેન્શન હશે. જો કે, આકાશ અનુસાર જસપ્રિત બુમરાહે આ સ્થાન લેવું જોઈએ.
ભારતીય ખેલાડીઓને રિપ્લેસ કરવા મુશ્કેલ
આકાશે જણાવ્યું હતું કે, ‘ભારતીય ખેલાડીઓની જાળવવા મુશ્કેલ છે. અત્યાર સુધીમાં મુંબઈ અને ચેન્નાઈ 5-5 ટ્રોફી જીતી ચૂક્યું છે. બંને ટીમમાં મજબૂત ભારતીય ખેલાડીઓ સામેલ છે. તમે વિદેશી ખેલાડીઓને બદલી શકો છો. પરંતુ ભારતીય ખેલાડીઓને રિપ્લેસ કરવા મુશ્કેલ છે. શું તમે મને બુમરાહનું રિપ્લેસમેન્ટ કોણ છે, તે જણાવશો?’
હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝીની ચોથી પસંદગી હોઈ શકે
હાર્દિક પંડ્યાને લઈને આકાશે કહ્યું હતું કે, ‘અગાઉ તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. તે ફ્રેન્ચાઈઝીની ચોથી પસંદગી હોઈ શકે છે. સૂર્યકુમાર યાદવ બીજો વિકલ્પ બની શકે છે. રોહિત શર્મા, તિલક વર્મા, ઈશાન કિશનને બાકીની જગ્યાઓ માટે લડવું પડશે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે રિટેન્શન માટે ત્રણ ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર, બુમરાહ, છે. તે પછી મને લાગે છે કે ફ્રેન્ચાઈઝી રોહિત શર્માની સાથે આગળના પગલા અંગે ચર્ચા કરશે.’
બુમરાહ મારા માટે પહેલો રિટેન્શન
રિટેન્શન અંગે આકાશે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ બધી બાબતમાં સૌથી રોચક વાત રિટેન્શનનો ક્રમ રહેશે. કોણ પહેલું હશે, કોણ બીજુ હશે અને બીજા બધા, બુમરાહ મારા માટે પહેલો રિટેન્શન છે. જો બુમરાહ તમારો પહેલો ખેલાડી છે તો તમારી પાસે કેપ્ટન હાર્દિક પંડ્યા પણ છે. તે ચોથો રિટેન્શન બની શકે છે. પછી તમારી પાસે ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ છે, તે 14 કરોડ રૂપિયાની શ્રેણીમાં આવે છે. પછી તમારી પાસે રોહિત શર્મા અને તિલક વર્મા પણ છે. આ સિવાય વિકેટકીપર અને બેટર ઈશાન કિશન પણ એક વિકલ્પ છે. નિર્ણય લેવો ખૂબ કઠીન રહેશે.’