back to top
Homeગુજરાત143 વર્ષ પછી બરડામાં સિંહોની ઘરવાપસી:ગીર બાદ હવે પોરબંદરના બરડામાં સિંહદર્શન, 22...

143 વર્ષ પછી બરડામાં સિંહોની ઘરવાપસી:ગીર બાદ હવે પોરબંદરના બરડામાં સિંહદર્શન, 22 જંગલી પ્રાણી ને 269 પક્ષીઓની પ્રજાતિ; જાણો બ્યુટીફુલ બરડો વિશે A TO Z

ગીર બાદ હવે બરડો એશિયાઇ સિંહોનું નવું ઠેકાણું બન્યું છે. હવે બરડા પંથકમાં પણ સિંહદર્શન થશે. 143 વર્ષ પછી બરડામાં સિંહોની ઘરવાપસી થઇ છે. 22 જંગલી પ્રાણી અને 269 પક્ષીઓની પ્રજાતિનું આશ્રયસ્થાન બરડો છે. ધનતેરસે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો શુભારંભ કરાયો હતો. તો આવો જાણીએ બરડો અભ્યારણ્ય વિશે… અભયારણ્ય બે જિલ્લાઓમાં ફેલાયેલું છે
બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે 215 ચોરસ કિ.મીનો વિસ્તાર પૈકી 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે. વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ
બરડા જંગલ સફારીમાં ભાણવડ-રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓને બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો અકલ્પનીય અનુભવ થશે. આ સફારી ટ્રેઇલમાં કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિ નિહાળી શકાશે. સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે. બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ
આ અભયારણ્ય વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવાસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે. જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 9 ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્ત્વપૂર્ણ પ્રજાતિઓમાની એક છે. બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ-પક્ષીઓ
લગભગ 14 દાયકા પછી આ જંગલનો વિસ્તાર ફરી એક વખત એશિયાઈ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્ય કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે. જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્યમાં હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે. બરડા અભયારણ્યની મુલાકાત માટેનો ઉત્તમ સમય
આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે. સાથે જ 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી અભ્યારણ્ય ચાલું રહેશે. આ ઉપરાંત દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહેશે. બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થશે
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે જંગલ સફારીરૂપે બરડા વિસ્તારને દિવાળીની ખૂબ જ મોટી ભેટ મળી છે. જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે. 143 વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવ્યા
143 વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા બરડો એશિયાઈ સિંહોનું બીજું રહેઠાણ બન્યો છે જે સૌ માટે ગૌરવની ક્ષણ છે. હાલ દિવાળીનો પર્વ મંગલ કાર્યો કરવા માટે શુભ સમય છે, ત્યારે બરડામાં જંગલ સફારી પ્રારંભ પણ તેનો ભાગ છે. જેમ પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઈ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે
સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્ડ, પોરબંદર પક્ષી અભયારણ્ય, માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે. બરડો માત્ર વન્યજીવો નિવાસ નહીં, ઔષધિઓ માટે પણ જાણીતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા સમય પૂર્વે બરડા ડુંગર વિસ્તારમાં બનાવેલા ચેકડેમો વર્ષાઋતુમાં જળ સંચય પરિણામે વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે. બરડો એ માત્ર વન્યજીવો નિવાસ નહીં, પરંતુ અદ્વિતિય ઔષધિઓ માટે પણ જાણીતો છે. પર્યાવરણ જતન અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે વન્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્ય બન્યું છે. ગ્રામીણ સંસ્કૃતિને નજીકથી જાણી શકશે પ્રવાસીઓ
બરડા સહિતના વિસ્તારમાં માલધારીઓ બહોળી સંખ્યામાં નિવાસ કરે છે. જંગલ સફારી પ્રારંભ થતાં માલધારીઓ માટે રોજગારીની અનેક તકો નિર્માણ થશે તેમજ પ્રવાસીઓને પણ ગ્રામીણ સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ નજીકથી જાણવાનો એક લહાવો પ્રાપ્ત થશે. એશિયાટિક સિંહોના બરડામાં વસવાટ થતા બરડા પંથકની પ્રજામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જંગલોનું રક્ષણ કરીશું તો જ વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ થશે
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો આપણે જંગલોનું રક્ષણ કરીશું તો જ વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ થશે. ગીર વન્યજીવ અભ્યારણ્ય બાદ હવે બરડામાં પણ સિંહોની હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણું પ્રાપ્ત થયું છે. વન્યજીવો સંરક્ષણ અને પર્યાવરણ જતન કરવાની નૈતિક જવાબદારી આપણા સૌની છે. સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન
અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બરડા અભયારણ્ય બન્યું ત્યારથી આ સ્થળ ‘સિંહોનું બીજું ઘર’ બને તે વિઝન સેવવામાં આવ્યું હતું, જે સાકાર થવા જઈ રહ્યું છે. અહીં અનેક સિંહો નિવાસ કરી રહ્યાં છે. સિંહોને અનુકૂળ વાતાવરણ બનાવીને તેમજ તેમના ખોરાકરૂપ હરણ વગેરેનું પણ સંવર્ધન કરીને આ શક્ય બન્યું છે. આ સફારી કાર્યરત થતાં સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને આ અંતરિયાળ વિસ્તારના વિકાસનો માર્ગ મોકળો બનશે. બુકલેટ તથા બ્રોશરનું વિમોચન કરાયું
વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા સહિત આગેવાનોના હસ્તે બરડા જંગલ સફારી ફેઝ-1નું લોકાર્પણ, રાણાવાવ રેન્જ ઓફિસનું ઇ-લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત, સિંહ સંરક્ષણ માટે વેટરનરી ટીમને રેસ્ક્યૂ વાહન લોકાર્પણ તથા સાસણ તેમજ પોરબંદર વેટરનરી અને ટ્રેકર ટીમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે માલધારી સમાજના યુવાનો દ્વારા વિખ્યાત મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ બરડા જંગલ સફારી તથા કિલેશ્વર નેચર એજ્યુકેશન કેમ્પ વિશેની દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ સાથે જંગલ સફારી વિશે વિસ્તૃત માહિતી દર્શાવતી બુકલેટ તથા બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments