IPL-2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) કેરેબિયન વિકેટકીપર બેટર નિકોલસ પૂરન, ભારતીય ઝડપી બોલર મયંક યાદવ અને સ્પિનર રવિ બિશ્નોઈને રિટેન કરી શકે છે. રિટેન્શન લિસ્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે. ESPNના અહેવાલ મુજબ, LSG માત્ર ત્રણ કેપ્ડ ખેલાડીઓને જાળવી રાખશે, જ્યારે બે અનકેપ્ડ ખેલાડીઓને પણ રિટેન કરી શકે છે. અનકેપ્ડ ખેલાડીઓમાં આયુષ બદોની અને મોહસીન ખાનના નામ સામે આવી રહ્યા છે. LSG પાસે રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ પણ છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે લખનઉ ફ્રેન્ચાઇઝી કેપ્ટન કેએલ રાહુલને રિટેન નહીં કરે. પૂરનને 18 કરોડ મળી શકે
વેસ્ટ ઈન્ડિઝના બેટર નિકોલસ પૂરને લખનઉ માટે ઘણી મેચ એકલા હાથે જીતી છે. તે ટીમનો પ્રથમ રિટેન્શન બની શકે છે. તેને 18 કરોડ રૂપિયાનો સ્લોટ મળી શકે છે. પેસ સેન્સેશન મયંક યાદવ અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈને બીજા અને ત્રીજા સ્થાને રાખવામાં આવી શકે છે. ફ્રેન્ચાઇઝી આ બંને ખેલાડીઓને 14 અને 11 કરોડ રૂપિયા ચૂકવશે. આ ત્રણ ખેલાડીઓને રિટેન કરવા પર લખનઉની ટીમે કુલ 51 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. 4 કરોડમાં એક અનકેપ્ડ ખેલાડી
યુવા ખેલાડી આયુષ બદોનીએ તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગમાં શાનદાર બેટિંગ કરી હતી. આ સિવાય તેણે IPLમાં લખનઉની ટીમ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ પણ રમી છે. આ કારણે તેને 4 કરોડ રૂપિયાની કિંમતે અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવી શકે છે. તેના સિવાય 6 ફૂટ 3 ઇંચના ફાસ્ટ બોલર મોહસીન ખાનને પણ રિટેન કરાયાના સમાચાર છે. મોહસીન પણ હજુ સુધી ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી. આ કારણોસર, અનકેપ્ડ ખેલાડી તરીકે, તેને ફક્ત 4 કરોડ રૂપિયામાં જ રિટેન કરી શકે છે. હૈદરાબાદ ક્લાસેન, કમિન્સને રિટેન કરવા તૈયાર
સનરાઇઝર્સ હૈદરાબાદ રિયાધમાં યોજાનારી મેગા ઓક્શન પહેલાં સાઉથ આફ્રિકાના પાવર હિટર હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં પ્રથમ ખેલાડી તરીકે રિટેન કરી શકે છે. તે જ સમયે, ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડીના નામ પણ રિટેન્શન લિસ્ટમાં સામેલ કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદની સહ-માલિક કાવ્યા મારન રિટેન્શન ડીલમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ટ્રેવિસ હેડ અને ફ્રેન્ચાઇઝી કેપ્ટન પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કરી શકે છે. તે જ સમયે, ભારતીય ઓલરાઉન્ડર અભિષેક શર્માને 14 કરોડ રૂપિયામાં રિટેન કરી શકે છે. રિપોર્ટ અનુસાર નીતિશ કુમાર રેડ્ડીને પણ રિટેન કરવામાં આવી શકે છે. રાજસ્થાનના સંજુ, બટલર, યશસ્વીના નામ
રાજસ્થાન રોયલ્સ ટીમમાંથી ચાર ખેલાડીઓને રિટેન કરી શકાય છે. રિપોર્ટ્સમાં કેપ્ટન સંજુ સેમસન, બેટિંગ ઓલરાઉન્ડર રિયાન પરાગ, ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલના નામ સામે આવી રહ્યા છે. રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પ્રથમ સ્થાન આપવામાં આવી શકે છે. રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સના ભાવિ ઇન્વેસ્ટમેન્ટમાંનો એક છે. IPL-2024માં તેણે 52ની એવરેજથી 573 રન બનાવ્યા હતા.