તહેવારનું ટાંણું ને જમવામાં હોટલનું ભાણું…જી…હા દિવાળીના મહાપર્વની શરૂઆત થઇ ગઇ છે. આ 5 દિવસ રસોઇની રાણીઓ રજા પર ઉતરી જશે ને શહેરની હોટલો, રેસ્ટોરાં અને ખાણીપીણીની લારીઓ પર જમવા માટે લાઇનો લાગશે. તહેવારોના આ સમયમાં બરોડિયન્સ ખાવા પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચી નાખશે. હોટલો, રેસ્ટોરાં, ખાણીપીણીની લારીઓ પર ભીડ
ઉત્સવપ્રિય વડોદરાનગરીના નગરજનોમાં તહેવારોમાં હોટલો, રેસ્ટોરાં, ખાણીપીણીની લારીઓ ઉપર ફાસ્ટ ફૂડ સહિત જમવાનો અનેરો ક્રેઝ છે. ત્યારે હિન્દુઓના સૌથી મોટા દિવાળી પર્વના તહેવારોમાં ખાણીપીણીની લારીઓથી લઈને મોટી હોટલોમાં અને રેસ્ટોરાંમાં ભારે ધસારો રહેશે. કેટલાક પરિવારજનો દ્વારા હોટલોમાં એડવાન્સ બુકિંગ પણ કરાવી દેવામાં આવ્યું છે. વડોદરામાં નાની-મોટી 1800 રેસ્ટોરાં, હોટલો
વડોદરાના કાઠીયાવાડી વિલેજ હોટલના માલિક મયંક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરામાં નાની-મોટી 1800 રેસ્ટોરાં, હોટલો આવેલી છે. આ ઉપરાંત શહેરમાં ઠેરઠેર ખાણીપીણીની લારીઓ પણ છે. ત્યારે દિપાવલી પર્વમાં ખાણીપીણીનો વ્યવસાય બમણો થઈ જતો હોય છે. દિપાવલી પર્વમાં રૂપિયા 25,000થી લઈને 2 લાખ સુધીનો પ્રતિદિન વ્યવસાય થાય છે. આમ દીપાવલી પર્વના દિવસોમાં વડોદરામાં આ વખતે રૂપિયા 100 કરોડ ઉપરાંતનો બિઝનેસ થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. 2023માં 5.5 ટકાનો હોટેલ બિઝનેસ થયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2023માં 5.5 ટકાનો હોટેલ બિઝનેસ થયો હતો. જે આ વર્ષે વધીને 7 ટકા જેટલો થવાની શક્યતાઓ છે. અન્ય વ્યવસાયો કરતાં હોટલ વ્યવસાય નફાની દૃષ્ટિએ અને રોકડનો બિઝનેસ હોવાથી લોકો આ વ્યવસાયમાં વધુને વધુ જોડાઈ રહ્યા છે. આ વ્યવસાયમાં રોજગારી પણ વધે છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં અંદાજે 40થી 45 હજાર લોકો હોટલ વ્યવસાયમાં રોજગારી મેળવી રહ્યા છે. જમવા માટે લાભપાંચમ સુધીનું એડવાન્સ બુકિંગ
હોટલ માલિકે વધુમાં ઉમેર્યું હતું કે વડોદરામાં દરેક તહેવારમાં લોકો બહાર જમવા માટે જતા હોય છે. ત્યારે હિન્દુઓના સૌથી મોટા પર્વમાં હોટલ વ્યવસાય ધમધમી ઉઠતો હોય છે. અત્યારથી જ લોકો દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ સુધીના દિવસોમાં જમવા માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળી તહેવારોમાં 55 હજાર પાર્સલની હોમ ડિલિવરી થશે
ગાયત્રી હોટલના માલિક પપ્પુ શાહે જણાવ્યું હતું કે, તહેવારોમાં હોટલોનો વ્યવસાય બમણો થઈ જતો હોય છે. સામાન્ય દિવસોમાં જે બિઝનેસ હોય છે, તે વધીને ડબલ થઇ જતો હોય છે. અમારી હોટલમાંથી પ્રતિદિન 15,000 પાર્સલની ડિલિવરી કરવામાં આવી રહી છે. વડોદરાની વાત કરવામાં આવે તો દિપાવલી પર્વમાં 50થી 55 હજાર જેટલા હોમ ડિલિવરીના પાર્સલોની સર્વિસ આપવામાં આવી રહી છે.