ન્યૂયોર્કની તમામ સ્કૂલ્સમાં 1 નવેમ્બરે દિવાળીની રજા જાહેર કરાઇ છે. ડેપ્યુટી કમિશનર ફોર ન્યૂયોર્ક ઇન્ટરનેશનલ અફેર્સ દિલીપ ચૌહાણે જેકસન હાઇટ્સ દિવાળી મેળામાં આ જાહેરાત કરી છે. મેળામાં સંબોધન કરતાં દિલીપ ચૌહાણે જણાવ્યું કે, દિવાળીનો દિવસ ફક્ત એક રજા જ નથી પરંતુ વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક જાગૃતિ, દિવાળીના મહત્વ, મૂલ્યો અને પરંપરાઓ વિશે શીખવવાનો અવસર છે. અન્ય સંસ્કૃતિની વિવિધતાને અપનાવવા બદલ ન્યૂયોર્કની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, ન્યૂયોર્કે બહુસાંસ્કૃતિક ઓળખ બનાવી છે. ન્યૂયોર્ક કોઇપણ ઉત્સવમાં સંપૂર્ણ ભાગીદારીને મંજૂરી આપીને સમૂદાયના બંધનને મજબૂત બનાવે છે. ન્યૂયોર્ક વિશ્વની 9મી સૌથી મોટી ઇકોનોમી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ન્યૂયોર્ક શહેરના 1.1 મિલીયન વિદ્યાર્થીઓને હવે પોતાના પરિવાર અને સમાજ સાથે દિવાળી ઉજવવાની તક મળશે. ઇન્ડિયન મરચન્ટ્સ એસોસિએશન દ્વારા જેકસન હાઇટ્સ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં અસલ ભારતીય બજાર લાગે તેવા ફૂડ સ્ટોલ્સ, મ્યૂઝિક અને ડેકોરેશન હતા. મેળામાં આવેલા લોકોએ દિવાળીની ભાવનાને ઉજાગર કરતાં હોય તેવા હિન્દી ગીતો, સ્વાદિષ્ટ વાનગીઓ અને ટ્રી લાઇટિંગનો આનંદ માણ્યો હતો. એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર અને કાઉન્સિલ મેમ્બર શેખર ક્રિષ્નન સહિતના શહેરના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દિવાળી નિમિત્તે એકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિને માન આપતા ચૂંટાયેલા પદાધિકારીઓના ઘોષણા અને પ્રશસ્તિપત્ર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.