ગુજરાતમાં સરકારી ભરતીને લઈને અનેક ભગાઓ થયા છે પણ વર્ગ-2ની સેમી ડાયરેક્ટ ભરતીમાં પરીક્ષા લીધાના એક જ મહિનામાં નાણાં વિભાગે જીપીએસસીને પત્ર લખીને તાત્કાલિક ભરતી પ્રક્રિયા રદ કરવાનું કહેતા જીપીએસસીએ તુરંત જ પ્રક્રિયા થંભાવી દીધી છે. નાણાં વિભાગે હિસાબી અધિકારી વર્ગ-2ની સેમી ડાયરેક્ટ ભરતી જાહેર કરી હતી. આ ભરતીમાં રાજ્યમાં નાણાં અને પંચાયત વિભાગ હસ્તક ફરજ બજાવતા વર્ગ-3ના હિસાબી સંવર્ગના કર્મચારીઓ કે જેઓએ ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂરા કર્યા હોય તે લાયક ઉમેદવાર હતા. ગત વર્ષે આ પરીક્ષા લેવાઈ હતી પણ તેમાં ઉત્તીર્ણ થવા માટેના ન્યૂનતમ ગુણ મેળવનારા કોઇ ઉમેદવાર ન મળતા ફરીથી ભરતી પરીક્ષા લેવા નિર્ણય લેવાયો હતો.જેને લઈને જીપીએસસીને ફરી આ કામગીરી સોંપવામાં આવી હતી. જેઓએ 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન આ ભરતી પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેના પેપર ચેક કરવાની કામગીરી હજુ ચાલી રહી છે એવા જ સમયે 29 ઓક્ટોબર એટલે કે, મંગળવારે નાણાં વિભાગે પત્ર લખીને તાત્કાલિક આ ભરતી પ્રક્રિયા જ રદ કરવા વિનંતી કરી હતી. વિભાગ જ ભરતી કરવા ઈચ્છુક નથી એટલે જીપીએસસીએ બીજા જ દિવસે બુધવારે જાહેર કર્યું કે, વિભાગની વિનંતીને લઇને આયોગે આ પરીક્ષા રદ કરી નાખી છે. આ પરીક્ષા રદ કરી નાખવાથી ઘણા ઉમેદવારો સાથે અન્યાય કરાયો છે તેઓના સપના તો રોળાયા છે જ પણ સાથે સાથે સરકારી નાણાં અને માનવ કલાકોનો પણ વ્યય થયો છે. કારણ કે, જીપીએસસીએ તો પરીક્ષા યોજવા માટે આયોજન કર્યું પણ ઉમેદવારોએ પણ પરીક્ષાની તૈયારી કરવા માટે પોતાનો કિંમતી સમય તેમાં આપ્યો છે. પરીક્ષા લેવાયા બાદ ભરતી રદ કરી નાખવાનો આવો નિર્ણય અગાઉ લેવાયો નથી આ માટે જ નાણાં વિભાગની આ કામગીરી શંકા ઉપજાવી રહી છે. મહેકમ સંભાળતા નાયબ સચિવે કહ્યું, હું રજા પર છું!
ભરતી પ્રક્રિયા રદ કરવા માટે 29-10ના દિવસે નાણા વિભાગે પત્ર ક્રમાંક FD/ITH/e-file/4/2022/2039/GH દ્વારા જીપીએસસીને પત્ર લખાયો હતો. જે અંગે નાણાં વિભાગમાં મહેકમની જવાબદારી સંભાળતા નાયબ સચિવ સપના રાણાનો સંપર્ક કરાયો હતો. તેઓને પ્રક્રિયા રદ કરવા માટેનું કારણ પૂછવામાં આવતા તેઓએ ફક્ત એવું જ કહ્યું હતું કે, તેઓ દિવાળીની રજા પર છે. હજુ ગઈકાલે જ પત્ર લખાયો છે તેવું કહેતા
ફરી તેઓએ એક જ જવાબ રિપીટ કર્યો હતો કે, તેઓ રજા પર છે દિવાળી બાદ પત્ર જોઈને જવાબ આપશે!