જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ શબ્દો સાચે જ સાર્થક બન્યા છે. ગુણવંતા ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે અમેરિકાના ડલાસમાં. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ગુજરાતી ભાષામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના ડલાસ ખાતે વસવાટ કરતાં ભારતીય સમુદાયના આગેવાન, જાણીતા બિઝનેસમેન અશોકભાઈ ગોકળદાસ જણાવે છે કે, અમેરિકામાં હાલ ચૂંટણીનો માહોલ છે. અહીંના મુખ્ય બે પક્ષ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. આગામી 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. ડેમોક્રેટ પાર્ટી તરફથી ભારતીય મૂળના કમલા હેરિસ તથા રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર છે. ભારત કરતાં જુદી રીતે પ્રચાર
અહીંયા ચૂંટણી પ્રચાર આપણા દેશ કરતા જુદી જ રીતે જોવા મળે છે. માત્ર ટી.વી. પર પ્રસારિત જાહેરાત, ઉમેદવારની ડિબેટ અને આ ઉપરાંત સત્તાવાળાઓ દ્વારા મંજૂર કરાયેલ સ્થાનો હોય ત્યાં જ હોર્ડિંગ્સ પર સંદેશો જણાવીને પ્રચાર કરવામાં આવે છે. ખાસ કરીને મતદાન મથક નજીક, હાઇવે કે જ્યાં લોકોની અવરજવર રહેતી હોય તે નિયત સ્થળે. ડલાસમાં ગુજરાતી ભાષામાં હોર્ડિંગ લગાવ્યા
હવે રસપ્રદ બાબત એ છે કે અમેરિકાના ડલાસ ખાતે સ્ટેટ હાઈવે તથા મતદાન મથક નજીક રિપબ્લિકન પાર્ટી દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અંગ્રેજી ભાષા સાથે ગુજરાતીમાં પણ હોર્ડિંગ્સ જોવા મળે છે. ગુજરાતીઓ માટે ગૌરવ અને આનંદની વાત તો એ છે કે આપણી માતૃભાષાનો ઉપયોગ અમેરિકાની ધરતી પર આ રીતે પ્રચાર માટે કરવામાં આવતો હોય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પહેલીવાર ગુજરાતી ભાષામાં પ્રચાર
આપણી માતૃભાષાની તાકાત ઊભી કરી છે અહીંયા વસવાટ કરતાં ગુજરાતીઓએ. પોતાની આગવી પ્રતિભા, મહેનત, પ્રમાણિકતાએ ગુજરાત જ નહીં રાષ્ટ્ર માટે નામના મેળવી છે. ભારત દેશની બહાર અમેરિકા ખાતે ભારતની ગુજરાતી ભાષાનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે આ પ્રથમ બનાવ છે. સૌ ગુજરાતીઓ સુધી આ સંદેશ પહોંચેઃ અશોક ગોકળદાસ
આપણા સૌ માટે ગર્વની વાત તો એ છે કે અમેરિકાના મુખ્ય રિપબ્લિકન પક્ષ દ્વારા પોતાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરે છે અને ગુજરાતી ભાષામાં જણાવે છે કે, “સાચું શિક્ષણ, સમૃદ્ધ રાષ્ટ્ર.” મતદારો અને ખાસ કરીને ગુજરાતીઓ ગૌરવની લાગણી અનુભવે છે. આમ અમેરિકા જેવા દુનિયાના શક્તિશાળી દેશમાં ગુજરાતીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમના પક્ષે જ્યારે ગુજરાતી ભાષાને તેમના ચૂંટણી પ્રચારમાં સ્થાન આપ્યું છે ત્યારે અહીંના સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ જોવા મળે છે. આ સંદેશો આપણા ગૌરવંતા ગુજરાતીઓ સુધી પહોચાડીએ.