back to top
Homeગુજરાતઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની ભવ્યાતિભવ્ય ઉજવણી:સુરતમાં છઠ સરોવર અને તાપી નદી...

ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની ભવ્યાતિભવ્ય ઉજવણી:સુરતમાં છઠ સરોવર અને તાપી નદી કાંઠે 7 લાખ તો વડોદરામાં મહી નદી કાંઠે 35 હજારથી વધુ લોકો પૂજા અર્ચના કરશે

ઉત્તરભારતમાં છઠ્ઠ પૂજાનું અનેરૂ મહત્વ છે, ત્યારે ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરે છે. ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પોતાની પરંપરાને આગળ વધારવા માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તે જ રીતે સુરતમાં 7 લાખ અને વડોદરામાં 35 હજારથી વધુ ઉત્તર ભારતીયો દ્વારા વિવિધ સ્થળોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવશે. જેની છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. તાપી નદીના કિનારે છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્વ
છઠ્ઠ પૂજામાં ઉગતા અને આથમતા સૂરજની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. જેને લઈને સુરતમાં ભગવાન સૂર્યદેવની પૂજા અર્ચના કરવા માટે તાપી નદીનું વિશેષ મહત્વ છે. કેમ કે, તાપી માતાને સૂર્યની પુત્રી માનવામાં આવે છે. તેથી તાપી નદીના કિનારે પૂજા અર્ચના કરવાથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તાપી નદીને ભગવાન સૂર્યનારાયણની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે તેથી સુરતમાં વસતા બિહાર અને ઝારખંડના લોકો તાપી નદીના કિનારે પૂજા કરવાનું વધુ પસંદ કરે છે. ઘણા ખરા એવા પરિવારો છે કે તેઓ પોતાના માત્ર વતન જવાને બદલે તાપી નદીના કિનારે છઠ્ઠની પૂજા સંપન્ન કરવા માટે રોકાઈ જતાં હોય છે. બે લાખ લોકો પૂજા કરવા આવે તેવી શક્યતા
સુરતમાં બિહાર અને ઝારખંડના લોકો ડિંડોલી તરફના વિસ્તારમાં રહેતા હોય છે. લાખોની સંખ્યામાં વસવાટ કરતા લોકો છઠ સરોવર ખાતે જઈને પૂજા અર્ચના કરતા હોય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અંદાજે બે લાખ જેટલા લોકો પૂજા કરવા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની તૈયારી છઠ સરોવર ખાતે કરી દેવામાં આવી છે. ડિંડોલી વિસ્તારમાં ખાસ છઠ્ઠ પૂજા માટે જ આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી તેને છઠ સરોવર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ખૂબ સારી રીતે લોકો ભક્તિ ભાવપૂર્વક માતાની પૂજા અર્ચના કરે છે. સચિન, ભેસ્તાન સહિત આ વિસ્તારોમાં પૂજાની તૈયારીઓ
સુરતમાં છઠ સરોવરને બાદ કરતાં સચિન, ભેસ્તાન, કોઝવે, સિંગણપોર, ઇસ્કોન મંદિર, ડભોલી, ઇચ્છાપુર સહિતના વિસ્તારની અંદર પૂજા અર્ચના માટેની તૈયારી કરવામાં આવતી હોય છે. નદી કિનારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. શહેરના મધ્યમાંથી પસાર થતી નહેરના કિનારે પણ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અલગ અલગ વિસ્તારના બિહાર અને ઝારખંડવાસીઓના સમાજના અગ્રણી દ્વારા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની મદદ લઇને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં પૂજા કરી શકે તેવી વ્યવસ્થા
છઠ્ઠ મહાપૂજા સમિતિના પ્રમુખ રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં બિહાર અને છત્તીસગઢથી સુરતને કર્મભૂમિ બનાવનાર લોખો લોકો છે. જે પોતાના વતને જઇને છઠ્ઠ પૂજાની વિધિ પૂરી કરી શકતા નથી તેઓ સુરતમાં જ છઠ્ઠ પૂજાની તૈયારીઓમાં ભાગ લેતા હોય છે. અમારા દ્વારા ડિંડોલી વિસ્તારમાં છઠ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષો પહેલાં અહીં છઠ્ઠ પૂજા માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. માત્ર આ એક જ તળાવ ઉપર 1.5 લાખ કરતા વધારે લોકો છઠ્ઠ પૂજા કરે છે તે સિવાય સુરત શહેરના તાપી નદીના કિનારે અલગ અલગ સ્થળ પર છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. વડોદરા હિંદી વિકાસ મંચ દ્વારા છઠ્ઠ પૂજાનું આયોજન
વડોદરા નજીક ફાજલપુર ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે છેલ્લા 25 વર્ષથી વડોદરા હિંદી વિકાસ મંચ દ્વારા છઠ્ઠ પૂજાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. આગામી તા. 7થી 8 નવેમ્બરે મહાપર્વ છઠ્ઠ નિમિતે આથમતા અને ઉગતા સૂર્યની બે દિવસીય પૂજાનું આયોજન કરાયું છે. જેમાં 35 હજારથી વધુ લોકો ભગવાન સૂર્યદેવની પૂજા કરશે. જેની છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહાપૂજાના ઉત્સવને ભોજપુરી અભિનેત્રી શુભી શર્મા અને જાણીતા ગાયક કલાકારો વધુ સંગીન બનાવશે. શહેર-જિલ્લામાં 10 સ્થળો પર આયોજન
અંદાજીત દોઢ લાખ જેટલા ઉત્તર ભારતીયો વડોદરા શહેર અને જિલ્લામાં વસવાટ કરે છે. તેમના દ્વારા છઠ્ઠના દિવસે નદી અથવા તળાવમાં પાણીમાં ઉભા રહીને આથમતા અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. વડોદરાના હિંદી વિકાસ મંચ ઉપરાંત મૈથિલ સાંસ્કૃતિક મંડલ પૂર્વાંચલ લોકહીત મંડલ, બિહાર સાંસ્કૃતિક મંડલ, સાર્વજનિક છઠ્ઠ પૂજા મંડલ, મહાછઠ મંડલ દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ 10 જેટલા સ્થળો પર છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસ પૂર્વેથી વ્રતીઓ દ્વારા સ્નાન-ધ્યાન પૂજા કરવામાં આવે છે
વડોદરા હિંદી વિકાસ મંચના અગ્રણી જીતેન્દ્ર રાયજીએ જણાવ્યું હતું કે, છઠ્ઠ પૂજાના દિવસે નદી, તળાવના કિનારે આથમતા સૂર્ય સાથે પૂજાની શરૂઆત થાય છે અને ઉગતા સૂર્યની પૂજા સાથે છઠ્ઠ પૂજા પૂર્ણ થાય છે. આ પૂજા કારતક માસની છઠ્ઠના દિવસે કરવામાં આવે છે. છઠ્ઠના એક દિવસ પૂર્વેથી વ્રતીઓ દ્વારા સ્નાન-ધ્યાન પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ભાત, ચણાની દાળ, કોળાનું શાક અને આમળાની ચટણી ખાઇને વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે. મહી નદીના કિનારે 35 હજારથી વધુ લોકો આવશે
વ્રતીઓ દ્વારા નિર્જળા ઉપવાસ કરીને પણ છઠ્ઠ પૂજા કરવામાં આવે છે. કારતક માસની છઠ્ઠના દિવસે બે દિવસ ઉજવાનાર છઠ્ઠ પૂજામાં ફાજલપુર મહી નદીના કિનારે શહેરના 35 હજારથી વધુ લોકો આવશે. તેમના રહેવા જમવા ઉપરાંત ચ્હા-નાસ્તા, સહિતની સુવિધાનું મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પૂજા-અર્ચના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહાપૂજાના ઉત્સવને ભોજપુરી અભિનેત્રી વધુ સંગીન બનાવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે જાણીતી ભોજપુરી અભેનેત્રી શુભી શર્મા તેમજ ગાયીકા પ્રતિમા પંડિત, ચાંદની સિંહ, સુનિલ સિંહ, અને સુનિલ સિંહ ઉત્સવને વધુ સંગીન બનાવશે. આ કાર્યક્રમનું આયોજન અનિલ યાદવ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments