ભારતમાં ત્રણ મુખ્ય ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. ચોમાસા બાદ શિયાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતવાસીઓને ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવો અનુભવ ઓક્ટોબર મહિના દરમિયાન થયો છે. સૌપ્રથમ તો ઓક્ટોબર મહિનાના પહેલા અને બીજા સપ્તાહમાં વિવિધ સિસ્ટમને કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદના બે સપ્તાહ દરમિયાન ખૂબ જ વધુ માત્રામાં ગરમી અને બફારાનું અનુભવ થયો હતો, જેથી ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળાની શરૂઆત થઈ હોય તેમ ગુજરાતવાસીઓને અનુભવ રહ્યો હતો. સૂર્યના સીધા કિરણો ધરતી પર પડતાં ગરમીની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગુજરાત રાજ્ય માટે આગાહી કરવામાં આવી હતી કે, 2024ના ઓક્ટોબરમાં ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ અને સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની શક્યતાઓ છે અને તે પ્રકારે જ રાજ્યમાં વાતાવરણ નોંધાયું હતું. રાજ્યભરના તમામ જિલ્લાઓનું વાતાવરણ છેલ્લા સપ્તાહમાં શુષ્ક થયું હતું. સૂર્યના સીધા કિરણો ધરતી ઉપર પડતા અત્યંત ભારે ગરમીનો અનુભવ થયો હતો. જેને કારણે આ વર્ષે ઓક્ટોબરની ગરમી અમદાવાદ શહેરના છેલ્લા 15 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. 2010થી આજ દિન સુધી ઓક્ટોબર મહિનાનું લઘુત્તમ તાપમાન સૌથી વધુ રહ્યું છે. મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું
અમદાવાદ શહેરમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અનુભવ ઓક્ટોબર મહિનામાં અમદાવાદીઓને થયો છે. સામાન્ય રીતે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે, જ્યાં આ વર્ષે મહત્તમ તાપમાન તો સામાન્ય રહ્યું હતું. એટલે કે 36થી 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહ્યું હતું. તેમ છતાં ઓક્ટોબર મહિનાના અંતમાં કેટલાક દિવસોમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. તેમ છતાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગરમીનું પ્રમાણ 39 ડિગ્રીથી વધુ રહ્યું નથી, પરંતુ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન આ વર્ષે છેલ્લા 15 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. કારણ કે, ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે પાછલા પખવાડિયામાં અમદાવાદ શહેરનું સામાન્ય લઘુત્તમ તાપમાન 19થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, પરંતુ આ વર્ષે લઘુત્તમ તાપમાન 24ડિગ્રીને પાર રહ્યું હતું. એટલે કે જ્યારે લઘુત્તમ તાપમાન વધુ રહેતું હોય ત્યારે દિવસ દરમિયાન વહેલી સવારથી જ ગરમીનો અનુભવ રહે છે. શરદપૂનમ બાદ થોડી ઠંડી અનુભવાય છે
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અમદાવાદીઓને જ્યાં પાછલા પખવાડિયાથી એટલે કે મુખ્યત્વે ઓક્ટોબર મહિનામાં શરદ પૂનમ હોય છે અને શરદ પૂનમ બાદથી જ થોડી માત્રામાં ઠંડકનો અહેસાસ થાય છે, પરંતુ આ વર્ષે દિવાળી સુધી પણ અમદાવાદીઓને અંગદઝાડતી ગરમીનો અનુભવ થયો છે. કારણ કે લઘુતમ તાપમાન 24થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે, જેને કારણે વહેલી સવારે સૂર્યોદય બાદ તુરંત જ શહેરનું તાપમાન વધવાની શરૂઆત થઈ જાય છે. એટલે સવારના 9થી 10 વાગ્યામાં જ બહાર નીકળતા જ ચામડી દઝાડે તેવી ગરમીની શરૂઆત થઈ જાય છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં જો સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હોય તો તે વર્ષ 1920ની 5 ઓક્ટોબરે નોંધાયું હતું. જ્યારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આટલા વર્ષોમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 29 ઓક્ટોબર 1983માં 12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 2021માં 31 ઓક્ટોબરે 14.7 ડિગ્રી હતું
વર્ષ 2010થી 2024 સુધીમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 6 ઓક્ટોબર 2017માં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 વર્ષમાં ઓક્ટોબર મહિનાનું સૌથી મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 31 ઓક્ટોબર 2021માં 14.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગત વર્ષે એટલે કે, વર્ષ 2023માં છેલ્લા 15 વર્ષમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઓક્ટોબર મહિનામાં નોંધાયું હતું. પરંતુ આ વર્ષે તેના કરતાં પણ ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. એટલે કે છેલ્લા 15 વર્ષના તમામ રેકોર્ડ વર્ષ 2024માં તૂટ્યા છે.