back to top
Homeગુજરાતકેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી:PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ...

કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી:PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી, એકતાના શપથ લેવડાવ્યા, પરેડમાં 16 માર્ચિંગ ટુકડી સામેલ

બે દિવસમાં PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સરદાર પટેલની જન્મજયંતીને લઈ ઊજવાતા એકતા દિવસ માટે બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં તેઓ 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન…
આજે કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી. 15 ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની જેમ આજે 31મી ઓક્ટબરે અહીં ઉજવણી કરવામાં આવી. આજે બે સંગમ બન્યા છે, એક રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને બીજું દિવાળીના પાવન પર્વની ઉજવણી PM મોદી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
‘હું પ્રતિજ્ઞાપૂર્વક શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરીશ. હું મારા દેશની એકતાની ભાવનાથી આ શપથ લઈ રહ્યો છું, જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.’ ​​​​​​એકતા પરેડમાં 16 માર્ચિંગ ટુકડી સામેલ
શપથ બાદ યુનિટી ડે પરેડ શરૂ થઈ ગઈ છે. 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ આ પરેડમાં ભાગ લઈ રહ્યાં છે. અલગ અલગ સુરક્ષા ફોર્સ પોતાનાં કરતબો રજૂ કર્યાં
એકતાનગર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, જેમાં ખાસ રાષ્ટ્રીય એકતા પરેડ સૌથી મોટું આકર્ષણ છે, કેમ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ સહિત CISF, SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સે પોતાનાં વિવિધ કરતબો રજૂ કર્યાં હતાં. પરેડ બાદ કેવડિયા ખાતે હાલ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તસવીરો… 2014મા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત થઈ
ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકારે સરદાર પટેલની જન્મજયંતિએ આ ઉજવણીની શરૂઆત કરી હતી. ગઈકાલે વડોદારા એરપોર્ટ પર આગમન બાદ PM હેલિકોપ્ટર મારફત કેવડિયાના એકતાનગર ખાતે પહોંચ્યા હતા. ત્યાં રૂ. 284 કરોડના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા. બાદમાં આરંભ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સ(ટ્રેઇની IAS-IPS)ના અધિકારી, તાલીમાર્થીઓને સંબોધન કર્યું હતું.
આજે કેવડિયાને ‘નો ફલાય ઝોન’ જાહેર
એકતા દિવસના કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સવારે 9 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા જવા રવાના થશે. વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને અનુલક્ષીને કેવડિયા તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. કેવડિયાને ‘નો ફલાય ઝોન’ પણ જાહેર કરી દેવાયું છે. એકતાનગરના વિકાસને વેગ મળશે
વડાપ્રધાન દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કર્યું, જે એકતાનગરના વિકાસને વેગ આપશે. ત્યાર બાદ PM આજે(30 ઓક્ટોબર,2024) એકતાનગર ખાતે આવેલા VVIP ગેસ્ટહાઉસમાં જ રાત્રિરોકાણ કર્યું હતું. આ પણ વાંચો…સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં રંગબેરંગી લાઇટોથી સજાવટ 280 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
પ્રકાશપર્વ દિવાળી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરને મોટી ભેટ આપતાં રૂ. 280 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે. નવી સગવડો અને આરોગ્યપ્રદ સેવાઓનો ઉમેરો
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન સાથે હવે એકતાનગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઊંચાઈ મળી છે. આધુનિક આરોગ્ય સુવિધાઓ અને સ્માર્ટ શહેરી આયોજનનો પ્રારંભ
વડાપ્રધાને 22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, ICU ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે. ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતાનગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યૂટિફિકેશન બનાવવામાં આવ્યા છે. 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે. જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું. શિલ્પકલા અને સૌંદર્ય સાથે પ્રવાસન વિકાસને વેગ
જુલાઈ 2024માં SAPTI સંસ્થાના સહયોગથી યોજાયેલા 20 દિવસના શિલ્પ સિમ્પોઝિયમના ભાગરૂપે ‘પાણી, પ્રકૃતિ અને એકતા’ પર આધારિત 24 શિલ્પકૃતિઓ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતાનગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શહેરના પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાને બસખાડીથી વ્યુપોઈન્ટ-1 સુધીના વૉકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. સૌંદર્ય-પર્યાવરણ સંરક્ષણ સાથે રિન્યૂએબલ એનર્જીનું પ્રોત્સાહન
વડાપ્રધાને રૂ. 23.26 કરોડના ખર્ચે ૪4 મેગાવોટ સોલર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું, જે એકતાનગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી બોન્સાઈ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ સાથે પ્રકૃતિપ્રેમીઓને અનોખો અનુભવ મળશે. સુરક્ષા અને લચીલા વિકાસ માટેની મહત્ત્વની યોજના
2023માં આવેલા પૂરનાં નુકસાનને ધ્યાનમાં રાખીને કેક્ટસ ગાર્ડન નજીક પ્રોટેક્શન વોલનો વિસ્તાર કરવામાં આવશે, જે પ્રવાસીઓને સુરક્ષિત પર્યાવરણ અને વધુ સગવડો આપશે. સાથે જ ગરૂડેશ્વર ખાતે રૂ. 60 કરોડના ખર્ચે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પુનર્વિકાસ માટે જમીનનું સ્તર ઊંચું કરવાનું કામ હાથ ધરાયું છે. જેથી ભવિષ્યમાં પૂરથી સુરક્ષા મળે અને વિકાસ યથાવત્ રહે. નિગમિત વિકાસ અને સુંદર ભવિષ્યની દિશામાં પ્રગતિ
આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે એકતા નગર માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ ટકાઉ વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડલ બનશે. એકતાનગર મજબૂત માળખાગત વિકાસ અને પર્યાવરણપ્રેમી નીતિઓના સંગમનું પ્રતિક બનશે. આ પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે મનમોહક બની રહેશે. પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે સાકાર થઇ રહેલા પ્રકલ્પ-પ્રોજેક્ટ પ્રદર્શનિનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના CMD અને SOU ઓથોરિટીના ચેરમેન મુકેશ પુરી, SOUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને અધિક કલેક્ટર નારાયણ માધુ તથા ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments