દિવાળીના દિવસે જ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રામગઢ નજીક છોટા હાથી અને અલ્ટો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા છે. બનાવની જાણ ચાણસ્મા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર કડીથી બનાસકાંઠા જઈ રહ્યો હતો
રામગઢ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ કડીથી બનાસકાંઠાના કાકંરેજ જઈ રહેલો ઠાકોર પરિવારનો પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો. પરિવાર પોતાની અલ્ટો કારમાં ચાણસ્મા નજીકના રામગઢ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલા છોટા હાથી અને અલ્ટો સામસામે અથડાયા હતા. જેથી અલ્ટો કારમાં સવાર ઠાકોર પરિવારના પતિ-પત્ની અને પુત્ર-પુત્રીનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે છોટાહાથીમાં સવાર એક વ્યક્તિ અને છોટાહાથીના ચાલકને ઈજા પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડલામાં આવ્યાં છે. રામગઢ નજીક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની જાણ ચાણસ્મા પોલીસ અને 108ને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. છોટા હાથી અને અલ્ટો કાર સામસામે અથડાઈ
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ પરિવાર કડી ખાતે જઈ રહ્યો હતો. ત્યારે મહેસાણાથી હારીજ તરફ જઈ રહેલા છોટા હાથી સાથે પરિવારની કાર સામસામે અથડાઈ હતી. જેથી અકસ્માત થતાં અલ્ટો કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે. જ્યારે છોટાહાથીમાં સવાર ચાલક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી
ચાણસ્મા તાલુકાના રામગઢ નજીક છોટા હાથી અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી કારના ફૂરચેફૂરચા બોલી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયાં છે. દિવાળીના દિવસે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઠાકોર પરિવારનો દીપ બુઝાયો હતો. તહેવારની ઉજવણીના બદલે શોકનો માહોલ છવાયો હતો. મૃતકોના નામ
શંભુજી જુમાજી ઠાકોર, 35 વર્ષ પતિ
આશાબેન શંભુજી ઠાકોર, 32 વર્ષ પત્ની
પ્રિય શંભુજી ઠાકોર, 10 વર્ષ પુત્રી
વિહાંત શંભુજી ઠાકોર, 8 વર્ષ પુત્ર ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનો વચ્ચે અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે.