સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગમાં ટેરેસ પર લિફ્ટના પેસેજમાં એક 30 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ યુવક આ બિલ્ડિંગમાં પણ ન રહેતો હોવાથી રહસ્ય સર્જાયું હતું. ત્યાર બાદ આ યુવકની પ્રેમિકા આ બિલ્ડિંગમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું. આ યુવક સામે પોસ્કોનો કેસ પણ નોંધાયો હતો અને સમાધાન પણ થયું હતું. ત્યાર બાદ આ ઘટના બનતા પરિવાર દ્વારા હત્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ મામલે હાલ ઇચ્છા પર પોલીસ દ્વારા હજુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકને તરૂણી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો
મળતી માહિતી પ્રમાણે 30 વર્ષીય મહેન્દ્ર તુરી વી.આર મોલ પાસે એક ધાબા પર કામ કરી ત્યાં જ રહેતો હતો. પરિવારમાં ચાર ભાઈ છે. જેમાં મહેન્દ્ર ત્રીજા નંબરનો ભાઈ હતો. પહેલાં એ ખુદ રેસ્ટોરન્ટ ચલાવતો હતો. જોકે, ત્યાર બાદ એક ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી તરૂણીના સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો અને કામમાં ધ્યાન આપતો નહોતો, જેથી રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ તે વી.આર મોલ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં કામ કરીને ત્યાં જ રહેતો હતો. બિલ્ડિંગના લિફ્ટ પેસેજમાં ગળાફાંસો ખાઈ આપઘાત
ઈચ્છાપોર વિસ્તારમાં શિવ શક્તિ નગર પાસે એક ચાર માળની બિલ્ડીંગ છે, જેમાં એક તરૂણી રહે છે. મહેન્દ્ર આ તરૂણીના પ્રેમમાં હતો. દરમિયાન પરિવારને જાણ થઈ ગયા બાદ માર્ચ 2024માં મહેન્દ્ર વિરૂદ્ધ પોસ્કોનો કેસ પણ થયો હતો. સપ્ટેમ્બર 2024માં બંને પરિવાર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. દરમિયાન ગત રાત્રે મહેન્દ્ર પ્રેમિકાના ઘરે ગયો હતો. જ્યાં તેની બિલ્ડિંગના ટેરેસ પર આવેલા લિફ્ટના પેસેજમાં વાયરથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારનો હત્યા કરાઈ હોવાનો આક્ષેપ
આ અંગે મહેન્દ્રના પરિવારને જાણ કરવામાં આવતા ત્યાં દોડી ગયો હતો. ત્યાર બાદ મહેન્દ્રનો મૃતદેહ લિફ્ટના પેસેજમાંથી લટકતી હાલતમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મહેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, સમાધાન થઈ ગયા બાદ પણ આ તરૂણીના પરિવારજનો દ્વારા મહેન્દ્રને ધમકી આપવામાં આવી હતી કે જો અહીં દેખાયો તો તને મારી નાખવામાં આવશે. હાલ તો આ મામલે પરિવાર દ્વારા મહેન્દ્રની હત્યા કરવામાં આવી હોવાની આશંકા કરવામાં આવી છે. પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો
ઈચ્છાપોર પોલીસ દ્વારા મહેન્દ્રના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. હાલ પ્રાથમિક તબક્કે મહેન્દ્રએ ગળાફાંસો જ ખાધો હોવાનું અનુમાન છે. જોકે, રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકત સામે આવશે. મહેન્દ્રના મોતના પગલે પરિવારમાં હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ ન્યાય મળે તેવી પણ આશા સેવવામાં આવી રહી છે.