વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ભાભર ખાતે ભાજપ ઉમેદવારની જન આશીર્વાદ સભા યોજાઈ હતી. આ જન આશીર્વાદ સભામાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, રજનીશ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો આ સભામાં પહોંચ્યા હતા. સ્વરૂપજી ઠાકોરને ભારે જંગી બહુમતીથી જીતાડવા નેતાઓએ અપીલ કરી હતી. થોડા સમય અગાઉ સમાજના કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારે પાઘડી ઉતારી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું હતું. ત્યારે કેટલાકે આને ઈમોશનલ કાર્ડ કહ્યું હતું. જેને લઈ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજનો દિકરો છે તો સમાજ વચ્ચે જાય તો પાઘડી ઉતારે, ત્યા પાઘડી ન ઉતારે તો ક્યા ઉતારે. જાહેર સભાંને સંબોધતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમાજનો દીકરો છે, સમાજ વચ્ચે જાય તો પાઘડી તો ઉતારે. પાઘડી સમાજ વચ્ચે ના ઉતારે, લોકો વચ્ચે ના ઉતારે, તો ક્યાં ઉતારે. આજે હું અલ્પેશ ઠાકોર તમારી વચ્ચે પાઘડી તો ઉતારુંને કે મારી પાઘડીની લાજ રાખજો મારાં બાપ. વાત તો આજ કરુંને. એમ આ સ્વરૂપજી ઠાકોરે સમાજ વચ્ચે પાઘડી ઉતારી, બીજે ક્યાં ઉતારે. એમાં કેટલાક લોકો એવુ કે, ઈમોશનલ કાર્ડ કર્યું. મને માતા આવે તો સાચી માતા, પણ જો તમને માતા આવે એટલે તમે ઢોંગ કરો છો, આ તો એવી વાત થઈ. વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અહીંયા માલધારી સમાજના આગેવાન બેઠા છે. એક આગેવાનને એમની પાર્ટી તરફથી એવું પૂછવામાં આવ્યું કે, ભાઈ ટિકિટ તો માંગો છો પણ તમારી જોડે રૂપિયા કેટલા છે. એ માલધારીનો દીકરો ગરીબ એ રાજનીતિ ના કરી શકે. આ કેવું પૈસાવાળા જ સત્તા ભોગવે. પૈસાથી ચૂંટણી નથી જીતાતી. જો પૈસાથી ચૂંટણી જીતાતી હોત તો અનેક નેતાઓ છે. જીતવી હોઈ તો કામોથી જીતો, ઈમાનદારીથી ચૂંટણી જીતો. જાહેર સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરના કૌટુંબીક કાકા ભુરાજી ઠાકોરે જણાવ્યું કે, કોંગ્રેસના આપણા આગેવાનને સમાજે જીતાડ્યા છે. એકવાર બે વાર અને ત્રણ વાર મામેરુ ભર્યું છે તમે કહેજો કે, હવે તો હદ હોય તમને ખોટા નથી કહેતા પરંતુ સ્વરૂપજી અમારો ભાઈ છે. એટલે થોભી જાવ. કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર બલાજી ઠાકોરે જણાવ્યું કે, વર્ષ 2007થી હું કોંગ્રેસમાં હતો. 5 વર્ષ ભાભરમાં કોંગ્રેસ નગરપાલિકા કોર્પોરેટર તરીકે પૂર્ણ કરી 3 વર્ષ કોંગ્રેસ ભાભર શહેર પ્રમુખની જવાબદારી નિભાવી અને હર હંમેશા ગેનીબેન સાથે રહ્યા હતા. વિધાનસભા હોઈ કે લોકસભાં હોઈ હું એમની સાથે જ હતો, આજે મારાં ટેકેદારોએ મને કહ્યું કે, આપણા વિસ્તારમાં વિકાસ નથી થયો. આ વિસ્તારમાં કેટલાક અમારા ગામો આવતા હતા જેનો વિકાસ નતો થતો. ખોબલેને ખોબલે મત આપતાં હતા. ન છૂટકે મારે ભાજપ સાથે આજે જોડાવું પડ્યું. અંદાજે 1500 જેટલાં કાર્યકર્તાઓ સાથે આજે કેસરીઓ ધારણ કર્યો છે.