સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણીનું વાતાવરણ અંતિમ તબક્કામાં છે. જોકે આ દીપોત્સવીની ઉજવણીમાં આવતી કાલ તા. 1 નવેમ્બર ને શુક્રવારે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેનો પડતર દિવસ એટલે કે ધોકો સાથે એક દિવસની બ્રેક લાગશે. આવતી કાલ તા. 1 નવેમ્બરે ધોકા સાથે આ વર્ષે સતત ત્રીજા વર્ષે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે એક દિવસની બ્રેક લગાડતાં પડતર દિવસની હેટ્રિક સર્જાઇ છે. ઇ.સ.2022, ઇ.સ.2023 અને ઇ.સ.2024, આ ત્રણેય વર્ષે પડતર દિવસ આવતાં જાણે હવે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક પડતર દિવસ આવે તેવી પરંપરા થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે દિવાળીના પર્વની પરંપરાગત ઉમંગ-ઉત્સાહભેર ઉજવણી કરાયા બાદ હવે શુક્રવારે એક દિવસ કોઈ પર્વ નહીં હોય એટલે ઉજવણીના રંગમાં એક દિવસનો ભંગ પડશે. ભાવનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ઉજવણીમાં છેક અંતિમ તબક્કામાં રંગ જામ્યો છે. પરંતુ આવતી કાલ શુક્રવારે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે એક પણ પર્વ ન હોય જેને ધોકો કહેવાય છે તે હોય ઉજવણીના રંગમાં ભંગ પડશે. ત્યારબાદમાં તા.2 નવેમ્બરને શનિવારે નૂતન વર્ષ, વિક્રમ સંવત 2081ની ઉજવણી કરવામાં આવશે. ધોકો અથવા પડતર દિવસ અથવા ખાલી દિવસ એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ. એ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઇ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથિઓને આધારીત મહિનાઓ અને દિવસો વડે થતી હોય છે. છેલ્લાં ત્રણ વર્ષનાધોકાની તારીખ વર્ષ તારીખ 2024 1 નવેમ્બર 2023 12 નવેમ્બર 2022 24 ઓક્ટોબર ધોકો – પડતર દિવસ એટલે શું? ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાને 30 ભાગમાં વહેચાય છે. પણ ચંદ્ર 30 કળાને 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરે છે. આથી દર મહિને એકાદી તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યાવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવાય છે. પણ શક્ય છે કે દિવસ દરમ્યાન તિથિ બદલાઇ જતી હોઈ ધોકાને દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ નથી થઇ હોતી.