શહેરના ઠક્કરબાપાનગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતાં તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે તેને અસહ્ય દુખાવો થતાં તે બાથરૂમ કરવા માટે ગઈ હતી, જ્યાં તેને મિસ્કેરેજ (અધૂરા માસે ડિલિવરી) થઈ જતાં બાળક સીધું કમોડમાં ઘૂસી ગયું હતું. યુવતીએ નવજાત બાળકને બહાર કાઢ્યુ હતું અને ચૂપચાપ પાડોશના મકાનની છત પર મૂકી દીધું હતું. ગઈકાલે બાથરૂમની છત પર કાગડાઓનો જમાવડો થતાં સમગ્ર હકીકત સામે આવી હતી. પોલીસે આ મામલે બાળક ત્યજી દેવા મામલે યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એસ.એમ. ચૌધરી અને તેમની ટીમ ફરજ બજાવી રહ્યાં હતાં. ત્યારે પોલીસ કંટ્રોલરૂમથી નવજાત બાળક મળ્યું હોવાનો એક મેસેજ મળ્યો હતો. ઠક્કરબાપાનગર ખાતે આવેલા ભીલવાસમાં રહેતા પ્રદીપ મારવાડીએ પોલીસ કંટ્રોલરૂમમાં નવજાત બાળક અંગેની જાણ કરી હતી. મેસેજના આધારે પીએસઆઇ એસ.એમ. ઠાકોર અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે જઈને પોલીસે પ્રદીપ મારવાડીને મળી હતી અને તેમની પૂછપરછ કરી હતી. પ્રદીપ મારવાડીએ પોલીસને જણાવ્યું હતું કે તે સવારે પોતાના ધંધાર્થે બહાર નીકળ્યા હતા ત્યારે તેમની દીકરી ઘરની સાફસફાઈ કરી રહી હતી. નવજાત બાળક નાડ સાથે પડેલું જોવા મળ્યું
દરમિયાન કાગડાઓ એકાએક ઊડતા હતા અને નીચેના માળે આવેલા બાથરૂમની છત પર બેસતા હતા. પ્રદીપની દીકરીને શંકા જતાં તેણે કામકાજ પડતું મૂકીને અગાસીમાંથી નીચે જોયું હતું. બાથરૂમની છત પર નવજાત બાળક નાડ સાથે પડેલું જોવા મળ્યું હતું, જેથી તેણે પોતાના પિતા પ્રદીપ મારવાડીને જાણ કરી હતી. પ્રદીપ મારવાડી તરત જ તેના ઘરે પહોંચી ગયા હતા અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. પ્રેમી સાથે સંબંધ બાંધતાં ગર્ભ રહી ગયો
પોલીસે બાથરૂમની છત પરથી મળી આવેલા નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને પૂછપરછ કરતાં જાણવા મળ્યુ હતું કે આ નવજાત બાળકને જન્મ મીના (નામ બદલ્યું છે)એ આપ્યો હતો. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરનાર પ્રદીપ મારવાડીના પાડોશમાં રહેનારને મીના ભાણી થાય છે. પોલીસે મીનાની પૂછપરછ કરતાં બાળક તેનું હોવાની કબૂલાત કરી હતી. તેણે વધુમાં જણાવ્યુ હતું કે તે ભરત ગઢવીને પ્રેમ કરે છે અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 25 ફેબ્રુઆરીના રોજ ભરતે તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો, જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. મીનાને સાત માસનો ગર્ભ હતો અને તે તેના મામાના ઘરે રહેતી હતી. નવજાત બાળકને ઈજા પહોંચી હતી
મંગળવારની રાતે મીનાને પેટમાં અસહ્ય દુખાવો થતાં તે બાથરૂમ કરવા માટે ટોઇલેટમાં ગઈ હતી. મીના જ્યારે કમોડ પર બાથરૂમ કરવા માટે બેઠી ત્યારે તેને એકાએક અધૂરા માસે ડિલિવરી થઈ ગઈ હતી. મિસ ડિલિવરી થતાં જ બાળક સીધું કમોડમાં ઘૂસી ગયું હતું, જેના કારણે ઈજા થઈ હતી. મીનાએ બાળકને બહાર કાઢ્યુ હતું, પરંતુ કોઈ હલનચલન નહીં થતાં તે ગભરાઇ ગઈ હતી. મોડીરાતે મીનાએ નવજાત બાળકને ત્યજી દીધું
મીનાએ તરત જ નવજાત બાળકને બાથરૂમની સાઇડમાં મૂકીને પોતાના રૂમમાં જતી રહી હતી. મોડીરાતે મીનાએ નવજાત બાળકને ઊંચકીને પાડોશના મકાનમાં આવેલા બાથરૂમની છત પર મૂકી દીધું હતું. મીના ચૂપચાપ ઘરમાં આવીને સૂઈ ગઈ હતી, પરંતુ ગઇકાલે તેની હકીકત સામે આવી છે. પોલીસે મીના વિરુદ્ધ નવજાત બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.