સુરેનદ્રનગરના પાટડીમાં આવેલા વર્ણીન્દ્રધામમાં દીપાવલી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાળી ચૌદશના દિવસે અહીં હનુમાનજીને 108 લિટર તેલનો અભિષેક કરાયો હતો. દીપાવલી પર્વ નિમિતે દર વર્ષની માફક અંદાજે 5 લાખ આધુનિક દીવડાઓનો શણગાર કરતા રાત પડતા જ મંદિર પરિસર ઝળહળી ઉઠે છે. આજથી લાભ પાંચમ સુધી વર્ણીન્દ્રધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે. 108 લીટર તેલથી હનુમાનજીનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો
પાટડી સ્વામિનારાયણ સંપ્રદાયના વર્ણીન્દ્રધામ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજી મહારાજનો દિવ્ય પૂજ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્વાન ભુદેવો દ્વારા શાસ્ત્રોક વિધિથી મંત્રોપચાર દ્વારા રાજોપચાર સાથે શ્રી હનુમાનજીનું ભાવપૂર્ણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પૂજ્નોત્સવમાં 108 લીટર તેલથી શ્રી હનુમાનજીનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આનંદસ્વરૂપદાસ સ્વામી, કોઠારી સ્વામી સર્વમંગલ સ્વામી સહિતના સંતો દ્વારા સર્વે ભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. ધનતેરસના દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા લક્ષ્મીપૂજન તેમજ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૌદશના દિવસે શ્રી હનુમાનજી મહારાજનુ 108 લીટર તેલથી અભિષેક તથા પૂજન કરવામાં આવ્યુ હતું. આજે દિવાળીના દિવસે શ્રી વર્ણીન્દ્ર ભગવાન આગળ 1008 જ્યોત વડે દિવ્યદીપોત્સવ ઉજવવામાં આવશે. નુતન વર્ષના નુતન પ્રભાતે દરરોજની જેમ ઠાકોરજીનો પંચામૃત, ઔષધી, ફળોના રસ, અબીલ ગુલાલ, કંકુ-હળદરથી મહાભિષેક થશે તેમજ છપ્પનભોગ ધરાવાશે. સાથે સાથે દરરોજ રાજોપચાર અને શોડશોપચાર પૂજનો થશે. ઠાકોરજી સુવર્ણ કાંતિમય રથમાં બેસી નગરયાત્રા કરશે.