રાજકોટમાં રૈયા રોડ પર નાગરીક બેંક પાઠળ આવેલા કીડવાઈ નગરમાં ગઈકાલે રાત્રિના સમયે એક કરૂણ ઘટના બની હતી. જેમાં મકાનમાં બનાવેલી લિફ્ટનો કેબલ તૂટતા 37 વર્ષીય મહિલા ફસાઈ ગઈ હતી અને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી અને બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લિફ્ટનો કેબલ તૂટી જતાં મહિલા ફસાઈ હતી
રાજકોટ અમદાવાદ હાઈવે પર નવાગામમાં માંધાતા સોસાયટીમાં રહેતા રેખાબેન શૈલેષભાઈ રાવરાણી (ઉ.વ. 37) ગઈકાલે રૈયા રોડ પર આવેલી નાગરીક બેંકની પાછળ કીડવાઈનગરમાં શ્રીનાથજી ટ્રાવેલ્સવાળા શૈલેષ પાંભરને ત્યાં મજૂરીકામ અર્થે ગયા હતા. ત્યાં તેઓ મોડી રાત સુધી કામ કરીને તેમની સાથેના અન્ય કર્મચારીઓ સાથે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ કંઈક તૂટવાનો અવાજ આવતા તેઓ ઉભા થઈ લિફ્ટ પર પગ મુકી નીચે જોતા હતા કે અચાનક જ લિફ્ટનો કેબલ તૂટતા જ તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા બાદ તેમાં દબાયા હતા. લિફ્ટ તોડી મહિલાને બહાર કાઢી હતી
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દાડી આવ્યા હતા અને મહિલાને લિફ્ટ તોડી બહાર કાઢી હતી. બનાવ અંગે જાણ કરતાં 108ની ટીમે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. જોકે, યુનિવર્સિટી પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રો છે. જેઓ મા વિહોણા બનતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળે શ્રીનાથજી ટ્રાવેલ્સવાળા શૈલેષ પાંભરે મકાનની ઉપર ગોડાઉન બનાવ્યું હતું અને તેમાં માલ-સામાન લઇ જવા માટે લિફ્ટ પણ બનાવી હતી. જે કાયદેસર છે કે ગેરકાયદેસર તે તપાસનો વિષય છે. હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.