લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી અને એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં પ્રજાજોગ સંબોધન કર્યું હતું. તેમણે શાળાજીવનના દિવસો યાદ કરતાં કહ્યું કે સ્કૂલ-કૉલેજમાં એક સમયે આપણે એકતાનું ગીત ગાતા હતા, ‘હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈં, રંગ-રૂપ, ભેષ-ભાષા ચાહે અનેક હૈં’ પણ આજે કોઈ એમ કહે કે એક છીએ તો સેફ છીએ તો કેટલાક લોકો તેને ધુપ્પલ ગણાવે છે. આ લોકોને દેશની એકતા આંખમાં કણાની જેમ ખૂંચે છે. આપણે આવી પ્રવૃત્તિ સામે પહેલાં કરતાં પણ વધારે સાવધ રહેવાની જરૂર છે. તેમણે આતંકવાદ, અલગતાવાદ, નક્સલવાદ, વિદેશ નીતિ સહિત 8 મુદ્દે વાત કરી હતી. બાદમાં વડાપ્રધાન કચ્છ ખાતે સર ક્રીક સરહદે બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી પણ કરી હતી.
એકતાનગરમાં મોદીએ કહ્યું કે આઝાદીના 7 દાયકા પછી ‘એક દેશ, એક બંધારણ’નું સપનું પૂરું થયું. બાબાસાહેબ આંબેડકરનું બંધારણ 70 વર્ષ સુધી સમગ્ર દેશમાં લાગુ થયું નહોતું. ઘણા લોકોએ બંધારણનું અપમાન કર્યું હતું. કલમ 370 જમ્મુ અને કાશ્મીરમાં દીવાલની જેમ ઊભી રહી, તેને વિકાસથી વંચિત રાખ્યું. તેને હંમેશ માટે જમીનમાં દાટી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર મુખ્યમંત્રીએ ભારતના બંધારણના સોગંદ લીધા છે. આનાથી ભારતના બંધારણના ઘડવૈયાઓને સંતોષ થયો હશે. જમ્મુ-કાશ્મીરના લોકોએ અલગ થવાનો એજન્ડા ફગાવી દીધો છે. આજે ભારત ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા એટલે કે સેક્યુલર સિવિલ કોડ ભણી આગળ વધી રહ્યો છે. તેના મૂળમાં સરદાર સાહેબની વાત જ અમારી પ્રેરણા છે. વિવિધ વર્ગોમાં જે ફરિયાદની લાગણી છે એ દૂર થઈ જશે. દેશમાં એકતાનો સંકલ્પ સિદ્ધ થશે.
વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ લોકો ભારતને નુકસાન પહોંચાડવાના કામમાં વ્યસ્ત છે. વિશ્વમાં ભારતની ખોટી છાપ ઊપસે એવી એ લોકોની ઇચ્છા છે. એ લોકો ભારતની સેનાઓને નિશાન બનાવવામાં વ્યસ્ત છે. ખોટી માહિતીઓ ફેલાવી રહ્યા છે. એ લોકો નાતજાતના નામે ભાગલા પાડવામાં વ્યસ્ત છે. કેટલાક લોકોને લોકો વચ્ચે દેશના ભાગલા પાડવાના કામ કરતા હોવાનું કહીને તેમણે ઉમેર્યું કે અર્બન નક્સલીઓના જૂથને આપણે ઓળખી લેવાનું છે. આદિવાસીઓને ગેરમાર્ગે દોરનારો નક્સલવાદ નબળો પડ્યો તો શહેરી નક્સલવાદ વધી ગયો છે. મોં પર મહોરાં પહેરીને ફરતા લોકોને આપણે ઓળખવાના છે. આજે એ સ્થિતિ થઈ ગઈ છે કે એકતાની વાત કરવી, એ ગુનો ગણાવાય છે. છેલ્લાં 10 વર્ષમાં ભારતે વિવિધતામાં એકતામાં જીવવાના તમામ પ્રયાસોમાં સફળતા મેળવી છે. આજે ‘વન નેશન, વન આઇડેન્ટિટી’ એટલે કે આધારની ચર્ચા આખું જગત કરે છે. આયુષ્માન ભારત હેઠળ ‘વન નેશન, વન ઇન્શ્યોરન્સ’ની સુવિધા પછી હવે અમે ‘વન નેશન, વન ઇલેક્શન’ માટે કામ કરીએ છીએ.
PM મોદીએ ક્યારે ક્યાં દિવાળી ઉજવી? 2014 સિયાચીન
2015 પંજાબ સરહદ
2016 કિન્નોર
2017 બાંદીપોરા
2018 ઉત્તર કાશી
2019 રાજૌરી
2020 જેસલમેર
2021 નૌશેરા
2022 કારગિલ
2023 લેપતા, હિમાચલ
2024 કચ્છ