શહેરના કોટ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ પાસે આવેલા નવા ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 80 વર્ષ જુના દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડી નવું ફાયર સ્ટેશન ક્વાટર્સ અને મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે જેનું માર્ચ 2025માં આ બિલ્ડીંગનું લોકાર્પણ થવાની શક્યતા છે. મલ્ટી લેવલ પાર્કિંગ બનતાની સાથે કોર્પોરેશનની મુખ્ય ઓફિસ અને આસપાસના વિસ્તારમાં વાહન પાર્કિંગની સમસ્યા દૂર થશે. પાર્કિંગમાં જ વાહન પાર્ક કરી અને કર્મચારીઓ તેમજ નાગરિકો સીધા કોર્પોરેશનની બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકે તેના માટે પેડેસ્ટ્રિયન બ્રિજ પણ બનાવવામાં આવશે. અધિકારી, કર્મચારીઓ પોતાના પરિવાર સાથે અહીં રહી શકશે
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રૂ.65.35 કરોડના ખર્ચે 5013 ચો.મી. જગ્યામાં નવું દાણાપીઠ ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટસ, મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા સાથેનું બિલ્ડિંગ તૈયાર બનાવવામાં આવી રહ્યું છે. જે બિલ્ડિંગમાં 19837 ચો.મી. જગ્યા મળશે. ફાયરના વાહનો માટે 5 ગેરેજ, સ્ટોર રૂમ હશે. કંન્ટ્રોલરૂમ પણ આધુનિક સાધનોથી સજ્જ હશે. ઓફિસરની કેબિન, મલ્ટી પર્પઝ હોલ, ફાયર ઇક્વિપમેન્ટ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. 1 BHKથી લઈને 3 BHK સુધીના મકાનો પણ તૈયાર કરાશે. જેથી ફાયરબ્રિગેડના અધિકારી, કર્મચારીઓ પોતાના પરિવાર સાથે અહીં રહી શકશે. નવું બિલ્ડિંગ બન્યા બાદ ત્યાં 303 જેટલી ટુ-વ્હીલર અને 222 જેટલા ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા થઈ શકશે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની મુદ્દત 15મી સપ્ટેમ્બર 2024 હતી
વધુમાં જણાવ્યું હતું કે, શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું ફાયર સ્ટેશન થઈ જતા પાંચ વર્ષ પહેલા તેને તોડી નવું બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી હતી. જો કે, પુરાતત્વ વિભાગ અને કોર્પોરેશનની કેટલીક અડચણના કારણે કામગીરી બંધ પડી હતી. જે બાદ અન્ય કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની મુદ્દત 15મી સપ્ટેમ્બર 2024માં પુર્ણ હતી. જો કે, આ કામને એક્સટેન્શન આપ્યા બાદ 15મી માર્ચ 2025 સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે તેમ જણાય છે જે બાદ તુરંત જ બિલ્ડિંગનું લોકાર્પણ થશે. રો-મટિરિયલ રાખવામાં પણ પૂરતી જગ્યા નહીં હોવાથી મોડેથી કામ શરૂ થયું
ઉલ્લેખનીય છે કે, આ જૂના ફાયર સ્ટેશનના બિલ્ડિંગને તોડીને નવું બિલ્ડિંગ બનવામાં ખૂબ વિલંબ થયો હતો. પુરાતત્વ વિભાગની મંજૂરી મળતાં જ મ્યુનિ.ને 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પ્લોટની આસપાસના રહીશો દ્વારા પણ વિરોધ કરવામાં આવતાં ડાયાફાર્મ વોલની કામગીરી કરવી પડી હતી. ઇલેક્ટ્રિક કેબલ ટ્રાન્સફોર્મર શિફ્ટ કરવામાં વિલંબ થયો હતો. મોટા ઝાડને દૂર કરવા પડ્યા હતા.સિટી વિસ્તારમાં ભારે ગીચ વિસ્તારમાં પ્લોટ હોવાથી માત્ર રાત્રિ દરમિયાન જ કામ થઈ શક્યું છે. રો-મટિરિયલ રાખવામાં પણ પૂરતી જગ્યા નહીં હોવાથી મોડેથી કામ શરૂ થયું છે.