દિવાળીના પર્વ પર ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્વ છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પરિવાર એવો પરિવાર છે કે, જે છેલ્લા ચાલીસ વર્ષથી ઘરની ‘સાક્ષાત’ લક્ષ્મીઓનું પૂજન કરે છે. એટલે કે, કોટેચા પરિવારના તમામ પુરુષો દ્વારા આજે દિવાળીના દિવસે પત્ની અને પુત્રીઓનું પૂજન કરે છે. વર્ષ દરમિયાન તેમના તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ‘લક્ષ્મી’ની માફી માગવામાં આવે છે. કોટેચા પરિવારના તમામ સભ્યો દૃઢપણે માને છે કે, જો ઘરની સ્ત્રીઓ ખુશ હશે તો આપોઆપ સમૃદ્ધિ આવશે. રોશનીનું પર્વ એટલે દિવાળી જેમાં પરંપરા મુજબ લોકો ચોપડા પૂજન, મૂર્તિ પૂજન અને લક્ષ્મીનું પૂજન કરતા હોય છે.ત્યારે જુનાગઢ શહેરના કોટેચા પરિવારમાં છેલ્લા 40 વર્ષથી ઘરની દીકરીઓ અને પુત્રવધૂની સન્માનભેર પૂજા કરવામાં આવે છે. જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય અને પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના પરિવારના પુરુષો ઘરની દીકરી પત્ની અને પુત્રવધૂઓની આજના દિવસે પૂજા કરી માફી માગે છે. ઘરની સ્ત્રીએ લક્ષ્મીનું સ્વરૂપ છે ત્યારે જો ઘરની લક્ષ્મી જ હસતી રમતી હશે તો ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો સદાય વાસ રહે છે. જ્યારે આજના દિવસે ગિરીશ કોટેચાના પરિવારના પુરુષોએ પોતાની પત્ની,દીકરી અને માતાને બાજોઠ પર બેસાડી ચાંદલો કરી તેની પૂજા કરી આખા વર્ષ દરમિયાન કોઈપણ જાણતા અજાણતા થયેલ ભૂલની માફી માગી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર જણાવ્યું હતું કે, આજે દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે ત્યારે આજના દિવસે મારા માતાના સમયથી અમારા ઘરમાં લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવે છે. અમારા પરિવારના તમામ પુરુષો પોતાની પત્ની અને દીકરીઓનું આજના દિવસે પૂજન કરે છે. કોટેચા પરિવારના આઠ દીકરાઓ તેની પત્નીઓ અને હું મારા પત્નીનો પૂજન કરું છું. કોટેચા પરિવારના પુરુષો દ્વારા પરિવારની સ્ત્રીઓને બાજોટ પર બેસાડી ચાંદલો કરી તેની પૂજા કરી તેને પગે લાગવામાં આવે છે. અને આજના દિવસે આખા વર્ષ દરમિયાન જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો તેની માફી માગવામાં આવે છે. કોટેચા પરિવારના પુત્રવધૂ ચાંદની બેન કોટેચાએ જણાવ્યું હતું કે, દરેક પરિવારમાં એક અલગ પરંપરા હોય છે અને ખાસ કરી દિવાળીના પર્વમાં લોકો લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન કે મૂર્તિ પૂજન કરતા હોય છે. અમારા કોટેચા પરિવારમાં અમારા ઘરની સ્ત્રીઓ અને પુત્રવધૂને દીકરીઓને લક્ષ્મી માનવામાં આવે છે. અને કોટેચા પરિવારના પુરુષો દ્વારા અમારી પૂજા કરી માફી માગવામાં આવે છે. અમારા કોટેચા પરિવારમાં પરંપરા સાથે એવું માનવામાં આવે છે કે ઘરની લક્ષ્મી જો હસ્તી રમતી હશે તો ઘરમાં સદાય માટે લક્ષ્મીનો વાસ રહે છે. ત્યારે આ માન્યતા સાથે કોટેચા પરિવારના પુરુષો દ્વારા ઘરની સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે કોટેચા પરિવારની આ પરંપરા અને લાગણીથી ઘરની સ્ત્રીઓ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે.