વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ખૂબ જ ખરાબ સાબિત થઈ રહી છે. વિરાટ કોહલી આખી સિરીઝમાં નિષ્ફળતાનો સામનો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બેંગલુરુ અને પુણે ટેસ્ટ બાદ હવે મુંબઈ ટેસ્ટમાં તેની સાથે કંઈક એવું થયું જેને જોઈને તેના ફેન્સને વિશ્વાસ પણ નહીં થાય. મુંબઈ ટેસ્ટના પહેલી ઇનિંહમાં વિરાટ કોહલી માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ થયો હતો. મોટી વાત એ છે કે વિરાટ કોહલીનો રન આઉટ તેની પોતાની ભૂલ હતી. વિરાટ કેવી રીતે રનઆઉટ થયો?
વિરાટ કોહલીની વિકેટ ઇનિંગની 19મી ઓવરમાં પડી હતી. રચિન રવીન્દ્રના ત્રીજા બોલ પર વિરાટ કોહલીએ મિડ-ઓન એરિયામાં શોટ રમીને રન ચોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હેનરીએ એક હાથે બોલ લઈને સીધો સ્ટમ્પ પર માર્યો હતો અને વિરાટ રન આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ ડાઈવ લગાવી હતી પરંતુ તે ક્રિઝની અંદર પહોંચી શક્યો નહોતો અને તે 4 રનના અંગત સ્કોર પર રનઆઉટ થયો હતો. વિરાટ કોહલી તેની ટેસ્ટ કારકિર્દીમાં ચોથી વખત રનઆઉટ થયો હતો. વિરાટ કોહલીનું ફોર્મ ખરાબ
રોહિત શર્મા સિવાય વિરાટ કોહલીનું ફોર્મ પણ ઘણું ખરાબ છે. આ સ્ટાર ખેલાડીએ છેલ્લી 9 ટેસ્ટ ઇનિંગ્સમાં 23.88ની એવરેજથી માત્ર 191 રન બનાવ્યા છે. આ દરમિયાન તે એક અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થશે, તેમાં વિરાટ કોહલીનું રમવું ખૂબ જ જરૂરી છે. આમ તેનું ફોર્મમાં આવવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ અગત્યનું છે. ટીમ ઈન્ડિયાએ 6 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી
ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. રોહિત શર્મા માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે અડધી સદીની ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. પરંતુ ત્યારબાદ 18મી ઓવરથી ભારતીય ટીમના બેટર્સનું નિરાશાજનક પ્રદર્શન શરૂ થયું હતું. ટીમનો સ્કોર 78 રન હતો ત્યારે યશસ્વી જયસ્વાલ રિવર્સ સ્વીપ રમીને આઉટ થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ નાઇટ વોચમેન સિરાજને મોકલ્યો અને તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. વિરાટ કોહલીએ પણ 4 રનના અંગત સ્કોર પર પોતાની વિકેટ આપી હતી. ટીમ ઈન્ડિયા માટે પહેલો દિવસ સારો રહ્યો હોત પરંતુ 6 રનની અંદર બધું જ બદલાઈ ગયું.