અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો પીરાણા ખાતે ડમ્પ સાઈટ પર એકત્રિત થાય છે. જેની પ્રોસેસ કરી કચરાનો નિકાલ કરવામાં આવે છે. રોજના 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું આજે 1 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્લાન્ટ ખાતે હાજર રહ્યા હતા. PPP ધોરણે બનાવવામાં આવેલા આ પ્લાન્ટનું જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલન કરવામાં આવશે. આ પ્લાન્ટના કારણે ઉત્પન્ન થતી વીજળી ગુજરાત ઊર્જા વિકાસ નિગમને પણ એજન્સી દ્વારા રૂ. 6.31 પ્રતિ કિલો વોટના ભાવે આપવામાં આવશે. આ પ્લાન્ટનો ડ્રોન નજારો જોવા જેવો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પીરાણા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે રૂ. 375 કરોડના ખર્ચે બનાવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું તકતી અનાવરણ અને બટન દબાવી ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અમદાવાદના પીરાણા ખાતે બનાવવામાં આવ્યો છે. અમિત શાહે પ્લાન્ટની મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહમંત્રીએ તકતી અનાવરણ બાદ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિબિન કાપી, બટન દબાવીને પ્લાન્ટને કાર્યાન્વિત કર્યો હતો. ત્યારબાદ અમિત શાહે તેના વિવિધ વિભાગો અને કાર્યપ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા. આ પ્લાન્ટ પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીપળજ ખાતે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે 1000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને 15 મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે. 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે
પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો શહેરમાંથી એકત્રિત કરી પીરાણા ડમ્પ સાઈટ ખાતે લાવવામાં આવે છે. જેની અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ પીરાણા ગ્યાસપુર નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે બનાવવામાં આવેલો છે. આ કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે રોજની 360 વોટ વીજળી ઉત્પન્ન થશે. વીજળી પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે
પ્રોસેસ બાબતે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઝ ઈન્સીનરેશન ટેક્નોલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઈન્સીનરેટ કરી 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે 15 મેગા વોટ પ્રતિ કલાક કેપેસિટીનાં ટર્બાઈન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આમ, કુલ 1000 મે. ટન ઘન કચરામાંથી દૈનિક ધોરણે 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે જે પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે.