દેશ આઝાદ થતા સરદાર વલ્લભભાઈ પટેલને લાગ્યુ કે સોમનાથ મંદિરનાં પુન: નિર્માણ સિવાય આઝાદી અધૂરી રહેશે. તે સમયનાં દિવાળી-નૂતન વર્ષના એ દિવસોમાં સરદારે 13 નવેમ્બરે સોમનાથ પ્રભાસ પાટણની મુલાકાત લીધી તેમની સાથે પ્રધાન મંડળના તેમના સાથી કાકા સાહેબ, ગાડગીલ, નવાનગરના મહારાજા દિગ્વીજયસિંહજી સાથે રહ્યા હતા. મંદિરની આવી કરાયેલી દુર્દશા, ઉપેક્ષિતા બિસમાર હાલત જોઈ લોખંડી એવા સરદારનું હૃદય દ્રવી ઉઠયુ તેઓ તુરંત જ સોમનાથ સમુદ્ર તટે ગયા અને પૂર્વ દિશા તરફ ઉભા રહી સમુદ્રનું જળ લઈ તેમને સોમનાથ મંદિરના પુન:નિર્માણનો સંકલ્પ કર્યો. તે ઐતિહાસિક દિવસ હતો 13 નવેમ્બર 1947 અને વિક્રમ સવંત 2004 બેસતુ વર્ષ ઉત્સાહ પ્રેરક સંકલ્પ બળ જોઈ તે સમયે ઉપસ્થિત નાનો સમૂહ કે જે સરદારના સ્વાગત માટે રાષ્ટ્રધ્વજ લાવ્યા હતા તેમાનાએ તે જ ક્ષણે મંદિરના ખૂણાના કાંગરા ભાગે તે રાષ્ટ્રધ્વજ લહેરાવી દીધો. સોમનાથ મંદિરની પાસે આવેલા અહલ્યાબાઈ સોમનાથના વડ પાસે એક સભા પણ સંબોધી હતી. તેમા જણાવ્યું હતું કે નૂતન વર્ષના આ શુભ દિવસે આપે સંકલ્પ કર્યો છે કે સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થવું જ જોઈએ. આ પરમ કર્તવ્ય છે. જેમાં સૌએ ભાગ લેવો જોઈએ. કનૈયાલાલ મુનશી કહે છે સરદાર પટેલ જો ન હોત તો આપણી આંખો સોમનાથનું પુન: નિર્માણ જોવા પામી ન હોત. સરદારે જે ખંડિત મંદિર જોયુતું તેની વિગત આપતા મુનશીજીએ જણાવ્યુ કે 1922 ના ડિસેમ્બરમાં હું આ ખંડિત તીર્થની યાત્રાએ ગયો હતો ત્યારે મારા મન ઉપર જે છાપ અંકાઈ તે આ રહી..ખંડિત ભસ્મીભૂત થયેલ અને પરાજિત એવું આ તીર્થ આપણા અપમાન અને આપણી અકૃતજ્ઞતાનું સ્મારક બની રહ્યુ છે. વહેલી સવારે સભામંડપમાં તૂટેલ ફરસ, ખંડિત સ્થંભો અને વેરવિખેર પત્થરો જોઈ મારૂ હૃદય શરમથી સળગી ઉઠયુ. જે સભામંડપ એક વેળા બાહ્મણોના વેદગાનથી અને રાજપૂતોના શોર્યથી પ્રકિર્તિત થયો હતો. ત્યાં મારા અપરિચીત પગલાનો અવાજ સાંભળી ગરોળીઓ પોતાના દરમાંથી બહાર ડોકાઈ
પાછી સંતાઈ જતી હતી. અને કોઈ અધિકારીનો ત્યાં બાંધેલો ઘોડો મારા આગમનને સાંભળી માથુ ધૂણાવતો હણહણી ઉઠયો મારૂ મસ્તક શરમથી ઝૂકી ગયુ હતું.