back to top
Homeગુજરાતપશુ-પક્ષીઓ અને માનવની વર્ષો જૂની ખોપડીનો સંગ્રહ:સૌરાષ્ટ્ર યુનિ.માં 55 વર્ષ જૂના બાયોલોજિકલ...

પશુ-પક્ષીઓ અને માનવની વર્ષો જૂની ખોપડીનો સંગ્રહ:સૌરાષ્ટ્ર યુનિ.માં 55 વર્ષ જૂના બાયોલોજિકલ મ્યુઝિયમમાં વાંદરા, ગીધ, મગરના સ્પેસીમેન, હવે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ બનશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં 55 વર્ષ જૂનું બાયોલોજીકલ મ્યુઝિયમ કાર્યરત છે, જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની પ્રજાતિઓના સ્પેસીમેન્સ એટલે કે નમૂનાઓ સંગ્રહિત કરવામાં આવ્યા છે. જેમાં ગીધ, મગર, વાંદરા, ઉંદરો, સસલાઓ, ચામાચીડિયાં, દેડકા, પોપટ, બતક, ચકલીઓ, 12 પ્રકારના સાંપ, 100 પ્રકારની માછલી, ડોલ્ફિનનુ અશ્મિ ઉપરાંત માનવ, ગધેડો, હરણ અને શિયાળની ખોપડી છે. આ ઉપરાંત દરિયાઈ શેવાળની 60થી વધુ પ્રજાતિઓની સહિત 300 થી વધુ વનસ્પતિના અંગોની પેપરશીટ તૈયાર કરવામાં આવેલી છે. દર વર્ષે 30 જેટલા વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત માસ્ટર ડિગ્રીનુ ડેઝર્ટેશન અને PhDનું થિસિસ તૈયાર કરે છે. જોકે, ભવનના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારી, ઝૂ લોજીના ડૉ. રાહુલ કુંડુ અને મ્યુઝિયમનુ સંચાલન કરતા ડૉ. ભાવિક વાંકાણીએ બયોલોજિકલ ડિજિટલ મ્યુઝિયમના નિર્માણનું બીડું ઝડપ્યું છે. જે ગુજરાતમાં બાયો સાયન્સ ભવનનુ પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ બનશે. જેનાથી દુનિયાના કોઈપણ ખૂણે બેસેલા વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમમાં રહેલા સ્પેસીમેન પર રિસર્ચ કરી શકશે અને તેનાથી આ મ્યુઝિયમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત થશે. અહીં અલગ-અલગ પ્રકારના સ્પેસીમેનનો સંગ્રહઃ ડૉ. ભાવિક વાંકાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના ઝૂ લોજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ભાવિક વાંકાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાયોલોજિકલ મ્યુઝિયમ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની ઓળખ રહી છે. વર્ષ 1969માં સાયન્સ ભવનના સ્થાપક હેડ એ. સી. પાંડે દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. અહીં અલગ-અલગ પ્રકારના સ્પેસીમેનનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂક ડ્રાય એટલે કે સૂકાઈ ગયા બાદ રાખવામાં આવેલા છે. જ્યારે લિકવિડ એટલે કે પૂરા પ્રાણીનું સ્પેસીમેન છે. જ્યારે બોટનીકલમાં ઘણી હરબેરિયમ શીટ છે, જેનાથી વિદ્યાર્થીઓ વનસ્પતિના પાંદડા, ફૂલોને ઓળખી શકે છે. જ્યારે ઝૂ લોજીમાં શછિદ્ર કોષ્ઠાન્તરી પ્રાણીઓ છે. જે વિદ્યાર્થીઓને ત્રણ રીતે ઉપયોગી થાય છે. પ્રાણીઓનુ પ્રકૃતિમાં મહત્વ વિદ્યાર્થીઓ જાણી શકશે
વિદ્યાર્થીઓ જ્યારે અહીં અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે તેઓને ઓળખ વિદ્યા આવડતી હોતી નથી. જેથી વિદ્યાર્થીઓ જો પ્રાણીઓને ઓળખી જ નહીં શકે તો તેની જાળવણી કઈ રીતે કરી શકશે. જેથી વિદ્યાર્થીઓ સ્પેસીમેનનો અભ્યાસ કરી પ્રાણીઓની ઓળખ કરી શકશે. સાથે આ પ્રાણીઓનુ પ્રકૃતિમાં શું મહત્વ છે તે વિદ્યાર્થીઓ જાણી શકશે અને તેની જાળવણી કરી શકશે. આ મ્યુઝીયમમાં 25 જેટલા શછીદ્ર પ્રાણીઓ છે, જ્યારે પુષ્ઠાંતરી સમુદાયના 29, ફિશના 100થી વધુ સ્પેસીમેન છે. આ ઉપરાંત 12 પ્રકારના સાંપ છે. વાંદરા, ચામાચીડિયા, ગીધ અને મગર સહિતના પ્રાણીઓના સ્પેસીમેન છે. વિશ્વના કોઈપણ ખૂણેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે
બાયોસાયન્સ ભવનના મ્યુઝિયમને ડિજિટલ બનાવવા અંગે તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનુભવ્યું કે અમે મ્યુઝિયમની જાળવણી કરી શકતા નથી. વિદ્યાર્થીઓ રૂબરૂ અભ્યાસ કરવા ન આવી શકે અને તેને અભ્યાસ ન ગુમાવવો પડે તે હેતુથી અહીં રહેલા સ્પેસીમેનને ફોટોગ્રાફ સાથે ડિજિટલી મૂકવામાં આવે તેવું પ્લાનિંગ છે. જેનાથી કોઈ બહારના એટલે કે વિશ્વના કોઈ પણ ખૂણે બેસેલા વિદ્યાર્થીઓ ઓનલાઇન સ્પેસીમેનનો અભ્યાસ કરી શકશે. દર વર્ષે Phdના 5 વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત રિસર્ચ કરે છે
દર વર્ષે માસ્ટર ડિગ્રીના 25 તો Phdના 5 વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત રિસર્ચ કરતા હોય છે. અહીંથી અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ WWI, ANO, મુંબઈમાં આવેલી NIA જેવી ઇન્સ્ટિટ્યૂશનમાં સંશોધન કરવા જતા હોય છે. અમુક વિદ્યાર્થીઓ ફોરેસ્ટ તો કેટલાક દિલ્હીના નેશનલાઈઝ મ્યુઝિયમમાં કામ કરતા હોય છે. 2 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ કામ કરી રહ્યા છે. તો 1 વિદ્યાર્થી ઈરાનમાં હાલ સ્ટાર ફિશ પર રિસર્ચ કરી રહ્યો છે. વિદ્યાર્થીઓ દરિયાઈ જીવો ઉપર વધુ રિસર્ચ કરે છે
બાયો સાયન્સ ભવનમાં એમ.એસ.સી. ઝૂ લોજીમાં સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારા ભવનના આ મ્યુઝિયમમાં દરેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના સ્પેસીમેન્સ જોવા મળે છે, જે અમે ફિલ્ડ વિઝીટ દરમિયાન અમુક વખત નથી જોઈ શકતા. આ મ્યુઝિયમનો ફાયદો એ થાય છે કે જે પ્રાણીઓને અમે બહાર લાઈવ જોઈ શકતા નથી તે પ્રાણીઓ અને પક્ષીઓનો અભ્યાસ અમે અહીં બેઠા-બેઠા કરી શકીએ છીએ. મોટાભાગે અમે વિદ્યાર્થીઓ દરિયાઈ જીવો ઉપર રિસર્ચ કરી રહ્યા છીએ. પ્રાણી, પંખી, કીટક, સમુદ્ર જીવ સહિતના અવશેષો
બાયોસાયન્સ ભવનમા બાયોલોજિકલ મ્યુઝિયમ કાર્યરત છે, જેમાં વિવિધ પ્રાણીઓ કે વનસ્પતિઓના સ્પેસીમેન એટલે કે, નમૂનાઓ સંગ્રહિત કરેલા હોય છે. મુખ્યત્વે આવા નમુનાઓ વિવિધ સંશોધકો કે સંશોધન કરતા વિદ્યાર્થીઓ દ્વારા સંગ્રહિત કે સબમીટ કરવામાં આવતા હોય છે. જેમાં મુખ્યત્વે જે તે જગ્યાએ મૃત અવસ્થામાં, અકસ્માતનો ભોગ બનેલા પ્રાણી, પંખી, કીટક, સમુદ્ર જીવ જેવા કે સ્ટાર માછલી, જેલિફિશ, શંખ, છીપ અનેક પ્રકારના દેડકાઓ, માછલીઓ, સસ્તન વગેરે સંગ્રહિત કરવામાં આવેલા છે. અથવા તો દરિયામાંથી તણાઈને બહાર આવી ગયેલા હોય કે રોડ અકસ્માત વખતે મૃત અવસ્થામાં મળેલા હોય છે. સંગ્રહિત નમૂનાઓ અભ્યાસમાં મદદરૂપ
આ પ્રકારના પ્રાણીઓને અલગ-અલગ પ્રકારની સ્ટફિંગ એટલે કે, એક પ્રકારની પ્રાણીને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાની ટેકનીક દ્વારા ફોરમેલીન કે absolute આલ્કોહોલ જેવા દ્રાવણનો ઉપયોગ કરીને સંગ્રહિત કરવામાં આવે છે. મુખ્યત્વે આવા નમૂનાઓનો ઉપયોગ વિદ્યાર્થીઓને પ્રાણી કે વનસ્પતિની ઓળખ સારી રીતે થઈ શકે અને તેના અભ્યાસમાં, શિક્ષણના ભાગરૂપે ઓળખી શકાય અથવા વર્ણવી શકાય એવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉપયોગી થતું હોય છે. બાયોસાયન્સ ભવનનું મ્યુઝિયલ 1969માં શરૂ કરાયું
ગુજરાત ખાતે લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં પ્રાણી કે વનસ્પતિ માટે વિવિધ પ્રકારના મ્યુઝિયમ એટલે કે, સંગ્રહાલય જે તે ભવન કે કોલેજની મંજૂરી સમયે વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુ માટે મંજૂર થયેલા જ હોય છે. બાયોસાયન્સ ભવન ખાતેનું આ મ્યુઝિયમ 1969માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભવનના જ એક વિભાગમાં શરૂ કરવામાં આવેલું હતું. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી આ બાયોલોજિકલ મ્યુઝિયમ વિવિધ પ્રકારના ભવનના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રોફેસરો દ્વારા વિવિધ પ્રકારના પ્રાણી અને વનસ્પતિના નમુનાઓથી સમૃદ્ધ બન્યું છે. ભારતભરમાં જોઈએ તો આવા વિવિધ પ્રકારના બાયોલોજિકલ મ્યુઝિયમ આવેલા છે, જે વિશ્વભરમાં જાણીતા છે.
1. ઇન્ડિયન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, ન્યુ દિલ્હી.
2. રિજનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, મૈસુર.
3. નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, થીરુંઅનંતપુરમ.
4. બાઘેલ મ્યુઝિયમ, બંધાવગ્રહ.
5. રાજીવ ગાંધી મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, સવાઈ માધવપુર. મ્યુઝિયમમાં 300થી વધુ વનસ્પતિના અંગોની પેપર શીટ
આ મ્યુઝિયમ એટલે કે, સંગ્રહાલય પ્રાણીઓની સાથે વિવિધ વનસ્પતિ જન્ય જીવોની પણ 300થી વધુ ફેમિલીના હરબેરીયમ એટલે કે, એક પ્રકારની વનસ્પતિને ઓળખી શકાય એવી રીતે જાડા પુઠા જેવા પેપર પર સ્થાપિત કરેલી વનસ્પતિના અંગોની પેપર શીટ અહીં સંગ્રહિત છે. નમુનાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં મળતી વનસ્પતિઓ પણ સામેલ છે. જેની સાથે જીમનોસ્પોરા અને વનસ્પતિઓના અશ્મિઓ પણ સંગ્રહિત થયેલા છે. દરિયાઈ શેવાળની 60થી વધુ જાતિઓ અહીં વિદ્યાર્થીઓ દ્વારા સંગ્રહિત કરવામાં આવેલી છે. પ્રાણી અને વનસ્પતિ સિવાય અહીં વિવિધ પ્રકારના મિનરલસ અને વિવિધ પ્રકારના મળેલા અશ્મિઓ પણ અહીં સંગ્રહિત કરવામાં આવેલ છે. વિવિધ પ્રાણી અને વનસ્પતિઓના જીવન ચક્રના ડાયાગ્રામ પણ અહી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મૂકવામાં આવેલા છે. બાયોસાયન્સ ભવનના મ્યુઝિયમમાં પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ
યુનિવર્સિટીના આ ભવન ખાતે વિશેષ ધ્યાનમાં લઈ શકાય એવા નમુનાઓ મુખ્યત્વે 2 સમુદાયમાં વેચી શકાય એવા છે. જેમ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે, કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ. જ્યારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરીએ તો તેમાં વિવિધ 10 સમુદાયના અનેક પ્રાણીઓ પ્રીઝર્વ કરેલા છે જેમાં સછિદ્ર સમુદાયના પોંજ લગભગ આઠ અલગ-અલગ જાતિઓના છે. જૂનાગઢનું મ્યુઝિયમ ખૂબ જ જૂનું
આપણા ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટી તેના પછી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાયોસાયન્સ ભવનમાં આવેલું આપણું આ મ્યુઝિયમ પણ વિવિધ નમૂનાઓની જાળવણીના લીધે જાણીતું છે. અન્ય વાત કરીએ તો હાલ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન બાઉદીન સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે આવેલું મ્યુઝિયમ ખૂબ જ જૂનું અને વ્યવસ્થિત રીતે જાળવણી પામેલું છે. મ્યુઝિયમનો અનેક પ્રકારના સંશોધનમાં ખૂબ જ ઉપયોગ
યુનિવર્સિટીના આ ભવનના અનેક સંશોધનના વિદ્યાર્થીઓ દ્વારા આ મ્યુઝિયમનો અનેક પ્રકારના સંશોધનમાં ખૂબ જ ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ દ્વારા સમયે સમયે મળતા નમુનાઓને ખૂબ સારી રીતે જાળવવામાં આવે છે, જેથી એમએસસી કરતા વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. ભૂતકાળમાં એક વિદ્યાર્થી દ્વારા વિવિધ પ્રકારના સાપ ઉપર પીએચ.ડી. દરમિયાન મળેલા મૃત સાપોને સંગ્રહિત કરવામાં આવ્યા છે. તો ફીશ એટલે કે, માછલી ઉપર સંશોધન કરતા વિદ્યાર્થી દ્વારા વિવિધ પ્રકારના માછલીઓના નમૂના પણ અહીં એકત્રિત થયેલા છે. વિવિધ પ્રકારના મરીન સમુદાય પર કામ કરતા અનેક વિદ્યાર્થીઓ દ્વારા શંખ, છીપ, સ્ટાર ફિશ અને વિવિધ પ્રકારના મૃદુકાય જીવો સંગ્રહિત કરવામાં આવેલ છે. જાળવણીના અભાવે ઘણાં નમૂનાઓ અને ડોક્યુમેન્ટને નુકશાન થયું
કોરોના અને છેલ્લે ગુજરાતમાં આવેલા વાવાઝોડાના સમયગાળા દરમિયાન જે પાણી ભરાવાના કારણે મ્યુઝિયમમાં ખાસ્સો બગાડ થયો હતો. જાળવણીના અભાવે નમૂનાઓ અને ડોક્યુમેન્ટને નુકશાન થયુ હતુ. ઘણા સ્પીસિમેન્સ બગડ્યા અને સરકારી ધીમી ગતિના કારણે યોગ્ય દરકાર ન થય શકી, ત્યારે ડિજિટલ મ્યુઝિયમનો વિચાર થયેલો. જો મ્યુઝિયમ ડિજિટલ રીતે ડોક્યુમેન્ટ્એડ હોત તો ઘણી બાબતો બચાવી શકાય હોત. હવે જૂના અને નવા મ્યુઝિયમમાં સ્પેસીમેન્સને જાળવવા ડિજિટલ લાયબ્રેરી કે જેમાં પ્રાણી અને હરબેરિયમ નમૂનાઓ ડિજિટલ રીતે સ્ટોર કરી કમ્પ્યુટર તેમજ સોફ્ટવેર અને વેબસાઇટ પર આ લાઇબ્રેરી ખુલી મૂકવાનું વિચાર કરી રહ્યા છીએ. આ કામ માટે ઇન્ટરનેશનલ લેવલ પર વિવિધ નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ અને એક્સપર્ટની મદદ લેવામાં આવશે. ભવનના ઘણા અધ્યાપકો આ માટે સતત પ્રયત્નશીલ છે. ભવિષ્યમાં આ બાબતોની વધુ જાણકારી જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments