રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક કાળા કલરની ફોર્ચ્યુનર કારના ચાલકે બેફામ કાર હંકારી બેફિકરાઈથી અકસ્માત કરી લગભગ 8 થી 9 વાહનને અડેફેટે લીધાં હતાં. જેના કારણે 5થી 6 લોકોને ઈજા પહોંચી હતી અને વાહનોમાં નુકસાન પહોચાડ્યું હતું. સદનસીબે મોટી જાનહાનિ થવા પામી નથી. અકસ્માત કરનાર કારચાલક હિરેન પ્રસાદિયા હોવાનું સામે આવ્યું છે જે પોતે નશાની હાલતમાં હોવાની ચર્ચા હોવાથી માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
કારચાલક હિરેન પ્રસાદિયા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 110, 281, 125(A)(B) તથા એમ.વી. એક્ટ કલમ 185, 177, 184 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. એક કલાક સુધી ટ્રાફિકજામ થયો
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર ટ્રાફિકથી ધમધમતા એવા કોટેચા ચોક નજીક 11 વાગ્યા આસપાસ એક કાળા કલરની ફોર્ચ્યુનર કારના ચાલકે અકસ્માત કરી લગભગ 8થી 9 જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. જેના કારણે વાહનોમાં તો નુકસાન થયું હતું પરંતુ સાથે સાથે 6થી 7 લોકોને ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે એક કલાક સુધી ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને બાદમાં પોલીસે આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ચાલક નશાની હાલતમાં હોવાનો હાજર લોકોનો આક્ષેપ
આ સાથે અકસ્માત કરનાર ફોર્ચ્યુનર કાર નંબર જીજે.18.બીજે.9999ના ચાલકની માલવિયાનગર પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં અકસ્માત કરનાર કાર ચાલકનું નામ હિરેન પ્રસાદિયા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર હાજર લોકોનો આક્ષેપ છે કે, કારચાલક નશાની હાલતમાં હતો. જો કે, તે નશાની હાલતમાં હતો કે કેમ તે ચકાસવા પોલીસ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તહેવાર સમયે ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે. છેલ્લા 3 દિવસથી શહેરના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલ કરતી પોલીસ આવા નબીરાઓ સામે કેમ ચૂપ છે તે સૌથી મોટો સવાલ છે. અકસ્માતના પગલે શહેર પોલીસ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા અને એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. રાત્રે 1.30 વાગ્યે એન્ડેવર કારે બાઈકને અડફેટે લીધું
રાજકોટમાં દિવાળીની મોડીરાત્રે 1.30 વાગ્યા આસપાસ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં શહેરના અયોધ્યા ચોકથી માધાપર ચોકડી વચ્ચે BRTS રૂટ પર અકસ્માત થયો હતો અને તેમાં એન્ડેવર કારે ત્રિપલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. જીજે.10.ડીઇ.2509 નંબરની કારે અકસ્માત કર્યો હતો જેમાં ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલક કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાં બેઠેલા અન્ય શખસની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.