નાના ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનની રકમ 10 લાખથી વધારી 20 લાખ સુધી કરી છે. પરંતુ છેલ્લાં નવ વર્ષમાં ગુજરાત મુદ્રા લોન લેવામાં ટોપ-10 રાજ્યમાં પણ સામેલ નથી. મુદ્રા(MUDRA- માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી) હેઠળ અત્યાર સુધી ત્રણ કેટેગરી શિશુ(50 હજાર સુધી લોન), કિશોર( 50 હજારથી 5 લાખ) અને તરુણ(5 લાખથી 10 લાખ)માં લોન આપવામાં આવતી હતી. હવે તરુણ પ્લસ(10 લાખથી 20 લાખ) કેટેગરી ઉમેરાઇ છે. પરંતુ ગુજરાતમાં કુલ લોનની માત્ર 29% રકમ કુલ લાભાર્થીના 75%ને શિશુ કેટેગરી અંતર્ગત લોન આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 1.43 કરોડ લાભાર્થીને 1.11 લાખ કરોડ રૂપિયા લોન અપાઇ છે.
દેશમાં સૌથી વધુ તમિલનાડુમાં 5.46 કરોડ લાભાર્થીને 2.88 લાખ કરોડ અપાયા છે. 2015-16થી 2023-24 દરમિયાન દેશમાં 47 કરોડ બેન્ક એકાઉન્ટમાં 28 લાખ કરોડ રૂપિયા અપાયા છે. આ યોજનામાં નોન કોર્પોરેટ ઉદ્યોગોને બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થા દ્વારા લોન આપવામાં આવે છે. લાભ મેળવવામાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક મોખરે ગુજરાતમાં મુદ્રા લોનની શિશુ કેટેગરીમાં(50 હજાર સુધી લોન) 9 વર્ષમાં 1.07 કરોડ લોકોને કુલ 32 હજાર કરોડની લોન આપવામાં આવી છે. જે કુલ લોન રકમના 28% અને લાભાર્થીના 75% છે. કિશોર કેટેગરીમાં (50 હજારથી 5 લાખ) 29.38 લાખ લોકોને 42 હજાર કરોડની લોન આપવામાં આવી છે. જે કુલ લોન રકમના 38% અને લાભાર્થીના 20% છે. તરૂણ કેટેગરીમાં (5 લાખથી 10 લાખ) 6.58 લાખ લોકોને 37 હજાર કરોડની લોન આપવામાં આવી છે. જે કુલ લોન રકમના 33% અને લાભાર્થીના માત્ર 4.58% છે.