પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે વર્ષોની પરંપરા મુજબ આસપાસના ગામના 80 ગામના ગ્રામજનોને આ અન્નકૂટ લૂંટવા માટે આમંત્રણ અપાય છે. ત્યારે આજે બપોરે 12 કલાકે અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. જે બાદ લગભગ બપોરે 2:20 વાગ્યે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ આસપાસના ગ્રામજનોએ માત્ર 10 મિનીટમાં અન્નકૂટને લૂંટી લીધો હતો. ‘જય રણછોડ’ ના નાદ સાથે અન્નકૂટને લૂંટવામાં આવ્યો
યાત્રાધામ ડાકોરમાં આજે દિવાળીના બીજા દિવસે શુક્રવારે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જે અનોખી ધાર્મિક પરંપરા મુજબ આ અન્નકૂટને લૂંટવામાં આવે છે. ‘જય રણછોડ’ ના નાદ સાથે અન્નકૂટને લૂંટવામાં આવ્યો હતો. આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને મંદિર પ્રશાસન દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને પરંપરા મુજબ આ અન્નકૂટને લૂંટવામાં આવે છે. આ વખતે 125 મણનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેમાં બુંદી, ભાત, મીઠાઈ, ફ્રુટ સહિત મીષ્ટાનની મહાપ્રસાદી ધરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યે અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. જે બાદ બપોરે 2: 20 કલાકે મંદિરના દ્વાર ખુલતા જ આમંત્રણ કરાયેલા લોકો તૂટી પડ્યા હતા અને લગભગ 10 મીનીટમાં જ અન્નકૂટનો તમામ પ્રસાદ લૂંટી લેવામા આવ્યો હતો. આ નજારો જોવા પણ અનેક લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા. અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડે પગે
આ અન્નકુટ લૂંટવામાં મેળવેલા ભાત સહિત ખાવાની વસ્તુઓને ગામમાં એકબીજાને ત્યાં વહેંચવામા આવે છે. વર્ષનો પ્રથમ ભોગ એટલે અન્નકૂટનો આ નજારો જોવા ભારે પડાપડી થતી હોય છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓનો કાફલો ખડે પગે ઊભા રહ્યો હતો. દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે બેસતા વર્ષે આ અન્નકૂટ યોજાઈ છે. આજે પડતર દિવસ હોય અને નક્ષત્ર પ્રમાણે આજનું નક્ષત્ર આવતા આજે પડતર દિવસના દિવસે આ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. ‘ભક્તોએ પ્રસાદને ગ્રહણ કર્યો હતો અને લુટ્યો હતો’
દંડી આશ્રમ, ડાકોરના વિજયદાસજી મહારાજે જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપરયુગમાં જે રીતે ગીરીરાજ પર્વતને ધારણ કરેલ હતો અને ભક્તોની રક્ષા કરી હતી. એ પછી અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. બધા જ ભક્તોએ પ્રસાદને ગ્રહણ કર્યો હતો અને લુટ્યો હતો. તે જ પરંપરા આજે રાજાધિરાજના દરબારમાં જોવા મળે છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ઠાસરા તાલુકાના નક્કી કરેલા આજુબાજુના ગામોને આમંત્રણ આપવામાં આવે છે અને એ બાદ આ લોકો દ્વારા અન્નકુટની લૂંટ ચલાવવામાં આવે છે. ખેડૂતોએ નવો પાક કરેલા છે તે જ અનાજમાંથી આ પ્રસાદ બનાવવામાં આવે છે. આ લુટેલા પ્રસાદ ગામમાં લોકોને વહેંચવામાં આવે છે. આ લૂંટ કરેલી પ્રસાદીને ગામમાં વહેંચવામાં આવે છેઃ ભક્ત
અન્નકુટની લૂંટ કરવા આવેલા ગોવિંદભાઈ નામના ભક્તે જણાવ્યું કે, જ્યારે ભક્ત બોડાણા દ્વારિકાથી ડાકોર મુકામે ભગવાનને લાવેલા ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. 125 મણનો અન્નકૂટની પ્રસાદીની લૂંટ કરવામાં આવે છે અને આ લૂંટ કરેલી પ્રસાદીને ગામમાં વહેંચવામાં આવે છે.