ખાનગી ટેલિકોમ કંપનીઓએ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં મોબાઇલ રિચાર્જના ભાવમાં તોતિંગ વધારો કરતાં છેલ્લા બે મહિનામાં સબસ્ક્રાબરમાં સતત ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં દેશમાં કુલ 9.22 લાખ ગ્રાહકો ઘટ્યા હતા જેની સામે ઓગસ્ટમાં 57.71 લાખ ગ્રાહકો ઘટી ગયા છે. રિલાયન્સ જીઓના એક મહિનામાં 40 લાખ, ભારતી એરટેલના 24 લાખ અને વોડાફોન-આઇડિયાના 19 લાખ જેટલા ગ્રાહકો ઘટ્યા છે, જ્યારે બીએસએનએલના 25 લાખથી વધુ ગ્રાહકો વધી ગયા છે. બિહારમાં સૌથી વધારે 9.20 લાખ સબ્સક્રાઇબર ઘટ્યા છે. તેનાથી વિપરીત ગુજરાતમાં 1.85 લાખનો વધારો થયો છે જે દેશમાં સૌથી વધુ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના સબ્સક્રિપ્શન રિપોર્ટ મુજબ, ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં જીઓના 0.63 લાખ અને વીઆઈના 2.59 લાખ ગ્રાહકો ઘટી ગયા છે. જ્યારે બીએસએનએલના 4.55 લાખ અને એરટેલના 0.43 લાખ સબ્સક્રાઇબર વધ્યા છે.
રાજ્યમાં 3 મહિનામાં 26 લાખ યૂઝર્સે નંબર પોર્ટ કરાવ્યો
ગુજરાતમાં 3 મહિનામાં પોર્ટેબિલિટીનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 25.80 લાખ જેટલી છે. જૂન મહિનામાં 7.40 લાખ, જુલાઈમાં 8.50 લાખ અને ઓગસ્ટમાં 9.90 લાખ મોબાઇલ સબ્સક્રાઇબરોએ નંબર પોર્ટિબિલિટીની સેવાનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે, ઓગસ્ટ મહિનામાં દેશમાં 1.47 કરોડ ગ્રાહકોએ પોર્ટેબિલિટી કરાવવા માટે અરજી કરી હતી. 2015માં પોર્ટેબિલિટીની સુવિધા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં દેશમાં 102 કરોડથી વધુ યૂઝર્સે તેનો ફાયદો ઉઠાવ્યો છે.
દેશના ગામડાઓમાં બીએસએનએલના 11 લાખ ગ્રાહકો વધ્યા
દેશના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાના ગાળામાં 35.20 લાખ ગ્રાહકોનો ઘટાડો નોંધાયો છે. એરટેલના 16.65 લાખ ગ્રાહકો, વીઆઈના 12.47 લાખ ગ્રાહકો, અને રિલાયન્સ જીઓના 16.87 લાખ ગ્રાહકો ઘટી ગયા છે. જ્યારે બીએસએનએલના ઓગસ્ટ મહિનામાં 10.79 લાખ ગ્રાહકો વધી ગયા છે.