અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એક નાની દુકાનમાંથી ખૂબ દુર્ગંધ આવતી હતી. જેથી દુકાનના માલિકે મિત્ર સાથે જઈને અંદર તપાસ કરી તો ઈસ્ત્રી કરવા માટે બનાવેલા આરસ પથ્થરના ખાનાની નીચે માણસનો મૃતદેહ અને તેને ઈંટોથી દાંટી દેવાયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આવીને તપાસ કરી તો ઈંટોની દીવાલ બનેલી હતી, જેની પાછળ એક સિનિયર સિટિઝનની લાશ પડી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, સજાતીય સંબંધ બનાવવા માટે મજબૂર કરતા તે ઓરડીમાં જ રહેતા યુવકે આ વૃદ્ધને પહેલાં ઈંટથી માર્યો અને ત્યારબાદ તેનું ગુપ્તાંગ કાપી નાખતા તેનું મોત થયું હતું. બાદમાં યુવક પાસે ભાગવા માટેના પૈસાની સગવડ ન થતાં તેણે લાશને ઈંટોથી દાટી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ શું નોંધાઈ?
કાગડાપીઠ વિસ્તારમાં આવતા જૂના ઢોરબજાર કાંકરિયા રોડ પાસે રહેતા હિતેશ શાહ નામના લોન્ડ્રીનું કામકાજ કરતા વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓને ત્યાં લોન્ડ્રીના કામકાજ માટે છ મહિના પહેલાં દિનેશ કનોજિયા નામના ઉત્તર પ્રદેશના યુવકને રાખ્યો હતો. તે દિવસ દરમિયાન ઈસ્ત્રી કરવાનું કામ કરતો અને સાંજે તેઓના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં સૂઈ જતો હતો અને ફરિયાદીને ત્યાં જ જમતો હતો. 23 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના સમયે ફરિયાદીની દુકાને 60 વર્ષના વૃદ્ધ રિક્ષા લઈને આવ્યા હતા અને તેઓના કારીગર દિનેશની ઓરડીમાં ગયા હતા. સવારે દુકાન માલિકે જોયું તો દિનેશ ગાયબ હતો
ફરિયાદીએ દિનેશ પાસે જઈને તે વ્યક્તિ વિશે પૂછતા તેણે તેઓનું નામ રવિભાઈ વાઘેલા હોવાનું અને ઇસનપુરના હોવાનું જણાવ્યું હતું. જે પછી ફરિયાદી તેઓના ઘરે જઈને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારના 6:00 વાગ્યે તેઓ જાગી જતા દુકાને જઈને જોતા દુકાન બંધ હતી અને તાળું મારેલું જોવા મળ્યું હતું. જેથી તેઓએ કારીગર દિનેશની આજુબાજુમાં શોધખોળ કરતા તે મળી આવ્યો ન હતો. સાંજના સમયે તેઓને જાણ થઈ કે, દિનેશ મણિનગર ખાતે હીરાભાઈ ટાવરમાં અન્ય વ્યક્તિના ત્યાં કામે જતો રહ્યો હતો, જેથી તેઓ આરોપી દિનેશને ત્યાંથી પરત લઈ આવ્યા હતા. દિનેશને ઘરે લઈને આવી તેને જમવાનું આપતા તે જમ્યો પણ નહોતો અને દુકાનમાં સૂઈ જવાનું કહેતા તેણે દુકાનમાં ન સૂઈ ફરિયાદીના ઘરે જ સૂઈ જવાનું કહ્યું હતું. બીજા વૃદ્ધની રિક્ષા પર દુકાન માલિકની નજર પડી
બીજા દિવસે સવારના છ વાગ્યે આરોપી દિનેશ ઈસ્ત્રીનું કામકાજ કરવા લાગ્યો હતો અને 7 વાગ્યા સુધી કામ કરી ફરિયાદી પાસેથી 200 રૂપિયા લઈને જતો રહ્યો હતો. તેઓએ તપાસ કરતા ફરીવાર તે હીરાભાઈ ટાવરમાં કામે લાગ્યો હોવાથી તેને ફરીવાર વેપારી પોતાના ઘરે લાવ્યા હતા અને ઈસ્ત્રીનું કામ ચાલુ કરાવ્યું હતું. જોકે, બે દિવસ સુધી તેઓના ઘરની બહાર રહેલી વૃદ્ધની ઓટોરિક્ષા જોઈને તેઓએ દિનેશને પૂછતા તેણે જણાવ્યું હતું કે, રવિ વાઘેલા તેમની રિક્ષા અહીં મૂકીને જતા રહ્યા છે. પછી લઈ જશે તેવું જણાવીને ગયા છે. ઓરડી ખોલી તો અંદર મૃતદેહ હતો
જે બાદ ફરિયાદી હિતેશ શાહને ઘરની આજુબાજુમાં કંઈક મરી ગયું હોય તેવી દુર્ગંધ આવતી હોવાથી તેઓએ આસપાસમાં તપાસ કરતા તેઓની દુકાનમાંથી જ વાસ આવતી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કારીગરે બે દિવસથી દુકાનમાં લોક માર્યુ હતું અને દુકાનમાં સૂવાની પણ ના પાડી ભાગતો-ફરતો હોવાથી દિનેશે દુકાનમાં કંઈક ખોટું કામ કર્યું હોવાની શંકા ગઈ હતી. તેઓએ મિત્રને બોલાવી દુકાનમાં તપાસ કરતા માણસનો મૃતદેહ હતો અને તેની જ દુર્ગંધ આવતી હોવાથી તુરંત પોલીસને જાણ કરી હતી. અર્ધનગ્ન મૃતદેહ અંગે યુવકે કબૂલાત આપી
કાગડાપીઠ પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા દુકાનની અંદર ઈસ્ત્રી કરવાના ખાનાની નીચે ઈંટો પડી હતી, જેની અંદરથી અર્ધનગ્ન હાલતમાં વૃદ્ધની લાશ મળી આવી હતી. જે લાશ રવિ વાઘેલા નામના 60 વર્ષીય વૃદ્ધની હોવાનું વેપારીને ધ્યાને આવ્યું હતું. જે બાબતે તેઓને કારીગર દિનેશને પૂછતા તેણે કબૂલાત કરી હતી કે, કાકાએ તેના 40 હજાર રૂપિયાની ચોરી કરી છે, જેથી તેણે માર મારી ગળું દબાવી મારી નાખ્યા હતા. કોઈને જાણ ન થાય તે માટે તેની લાશને દુકાનની અંદર ઈસ્ત્રી કરવા માટે બનાવેલા આરસના પથ્થરના ખાનાની નીચે સંતાડી ઈંટોથી ઢાંકી દીધી હતી. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દિનેશ રમેશકુમાર કનોજિયા નામના ઉત્તર પ્રદેશના અયોધ્યાના યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં શું બહાર આવ્યું ?
આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલામાં તપાસમાં નવી વિગત જાણવા મળી છે. જેમાં યુવક સાથે સજાતીય સંબંધ બનાવવા વૃદ્ધે દબાણ કરતા તે સમયે યુવકે મૃતકને કોઈ બોથળ પદાર્થ માર્યો હતો. ત્યારબાદ તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હોવાની વિગત પણ સામે આવી છે. હવે આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે.