સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા સાત દસકા કરતાં વધુ સમયથી અહીં ઈંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત થતા જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં યુવકો એકઠા થાય છે અને એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ માણે છે. સાવરકુંડલાની બજારમાં ખેલાતા આ ઈંગોરિયાના યુદ્ધને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે પહોંચે છે. ગુરુવારે રાત્રે પણ સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં વર્ષોની પરંપરા માફક સામસામે ગોઠવાઈ ગયા હતા અને એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી નિર્દોષભાવે ખેલાતા યુદ્ધનો આનંદ માણ્યો હતો. સાત દાયકા જૂની છે ઈંગોરિયા યુદ્ધની પરંપરા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાથી યુદ્ધ ખેલાતું હતું. સાવરકુંડલામાં આ પરંપરા છેલ્લા સાત દાયકાથી ચાલી આવે છે. હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે યુવકો સામસામા ગ્રૂપમાં વહેંચાઈ જાય છે અને બાદમાં એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ ઉઠાવે છે. ગતરાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયા ફોડી નાખ્યા હતા. કઈ રીતે બને છે ઈંગોરિયા?
ઈંગોરિયા શું છે ? એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે. ઈંગોરિયાનું સ્થાન કોકડાએ લીધું
ઈંગોરિયાનાં વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે ત્રણ વર્ષ પહેલાં વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાં ઓછાં મળી રહ્યાં છે. જેના કારણે ઈંગોરિયા રસિયાઓ દ્વારા હવે દોરાની કોકડી લેવામાં આવે છે. તેમાં કોલસો, ગંધક સહિત સામગ્રી ભરી કોકડાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ઈંગોરિયા યુદ્ધ નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટાં શહેરમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. પહેલાં ઈંગોરિયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરિયા અને કોકડા એકબીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું ન હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે. મારા દાદા પણ આ રમત રમતા હતા- વિજય રાઠોડ
સાવરકુંડલાના રહીશ વિજય રાઠોડે જણાવ્યું હતું કે, સાવરકુંડલામાં છેલ્લા 70 કરતા વધુ વર્ષથી આ રમત રમયા છે. સાવર અને કુંડલા વચ્ચે ભાઈચારાના માહોલ વચ્ચે આ ‘યુદ્ધ’ ખેલાય છે. મારા પિતા અને મારા દાદા પણ દિવાળીના સમયે આ રમત રમતા હતા. મારી હવે ત્રીજી પેઢી છે. આ ‘યુદ્ધ’નો લાભ લેવો એક અનેરો લહાવો છે- સચિન
સચિનભાઈ સલાએ જણાવ્યું હતું કે, હું સાવરકુંડલા શહેરનો રહેવાસી છું. દિવાળીની રાત એટલે વિશ્વની બેસ્ટ રાત છે. તમારે જો દિવાળીની ઉજવણી કરી મજા લેવી હોય તો આવો સાવરકુંડલા શહેરમાં. અહીં રહેતા લોકો કામધંધા અર્થે બહારગામ ગયા હોય તેઓ પણ દિવાળીની રાતની મજા લેવા માટે સાવરકુંડલા આવી જ જતા હોય છે. એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી રમાતી આ રમત દૃશ્યો જોઈને તો જોખમી જ લાગે. પરંતુ, સ્થાનિકોનો દાવો છે કે, નિર્દોષભાવે ખેલાતા આ યુદ્ધમાં કોઈ લોકો દાઝતા નથી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ સાથ સહકાર રહે છે.