દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી કારતુસ મળી આવ્યા છે. ઘટના 27 ઓક્ટોબરની છે. આ માહિતી શનિવારે (2 નવેમ્બર) સામે આવી હતી. એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, જેવી ફ્લાઈટ AI916 દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ. તેની એક સીટના પોકેટમાંથી કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. કારતુસ મળવાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકીઓ આપવાનું ચાલુ છે. 14 થી 29 ઓક્ટોબર વચ્ચેના 16 દિવસમાં 500થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. તપાસ દરમિયાન આ તમામ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. બોમ્બની ધમકી આપનાર 3 આરોપીની ધરપકડ
આ દરમિયાન, પ્લેનમાં બોમ્બની ધમકી આપનાર આરોપી જગદીશ ઉઇકેની મહારાષ્ટ્રના ગોંદિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. નાગપુર પોલીસે શુક્રવારે કહ્યું કે તેને તપાસ માટે હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવી હતી, ત્યારબાદ તેણે 31 ઓક્ટોબરે સરેન્ડર કર્યું હતું. 29 ઓક્ટોબરે પોલીસે વિમાનમાં બોમ્બની ધમકીના મામલે તેની ઓળખ કરી હતી. આરોપીએ આતંકવાદ પર એક પુસ્તક પણ લખ્યું છે. નાગપુર પોલીસની ટીમે નકલી ઈમેલની તપાસ કરીને આરોપીઓને શોધી કાઢ્યા હતા. આરોપીઓને પકડવા પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. 2021માં એક કેસમાં તેની ધરપકડ પણ કરાઈ હતી. દિલ્હી પોલીસે 25 વર્ષીય શુભમ ઉપાધ્યાયની પણ 26 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. તેણે 25 ઓક્ટોબરે IGI એરપોર્ટ પરની ફ્લાઈટમાં બોમ્બની બે ખોટી ધમકીઓ પોસ્ટ કરી હતી. તેણે ફેમસ થવા માટે આ કર્યું હતું. અગાઉ, મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. પૈસાની લેવડદેવડના વિવાદમાં તેના મિત્રને ફસાવવા માટે તેણે તેના નામથી X એકાઉન્ટ બનાવ્યું હતું. 14 ઓક્ટોબરે 4 ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી પોસ્ટ કરી હતી. બોમ્બની ખોટી ધમકીથી 1400 કરોડ રૂપિયાનું નુકસાન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની ધમકીને કારણે એરલાઈન્સ કંપનીઓને 1200 થી 1400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન મુસાફરોને રોકવા, ફ્લાઇટ ગ્રાઉન્ડ કરવા અને ક્રૂ પર 25 લાખથી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યાં ઇમરજન્સી લેન્ડિંગ થાય છે ત્યાં એરપોર્ટ પર ચાર્જ ચૂકવવો પડે છે. હોટલોમાં 200 થી વધુ મુસાફરો અને ક્રૂને રહેવા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પછી એક નવી ક્રૂ વ્યવસ્થા કરાય છે. તેનાથી એરલાઈન્સનો ખર્ચ વધે છે. કેન્દ્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડવાઇઝરી જારી કરી હતી કેન્દ્ર સરકારે આ ધમકીઓ પર કડક વલણ અપનાવ્યું છે. આઈટી મંત્રાલયે 26 ઓક્ટોબરે એક એડવાઈઝરી જાહેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું હતું કે જો તેઓ આવી ખોટી માહિતીને તાત્કાલિક દૂર નહીં કરે તો આઈટી એક્ટ હેઠળ તેમને આપવામાં આવતી મદદ બંધ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી માહિતી તાત્કાલિક દૂર કરવી પડશે અને આ માહિતી સંબંધિત અધિકારીઓને પણ આપવી પડશે. ફ્લાઈટમાં બોમ્બની ધમકી સંબંધિત આ સમાચાર પણ વાંચો… એનઆઈએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાયબર વિંગ તહેનાત: 2 અઠવાડિયામાં 400 થી વધુ ધમકીઓ મળી બે અઠવાડિયામાં 400 થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળ્યા પછી, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA) એ 28 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની સાયબર વિંગના અધિકારીઓને તહેનાત કર્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી ફ્લાઈટ્સ પર સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે ત્યારે 21 ઓક્ટોબરના રોજ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પન્નુએ કહ્યું- આ વર્ષે 1984ના શીખ રમખાણોની 40મી વર્ષગાંઠ છે. રમખાણોમાં 13 હજારથી વધુ શીખો માર્યા ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા.