રાજકોટમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જેમાં તહેવારોમાં બહારગામ નહિ ગયેલા લોકો માટે રાજકોટનું રામવન, ઝૂ, અટલ સરોવર પિકનીકના હોટસ્પોટ બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સંચાલિત એવું ઇશ્વરીયા પાર્ક પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ સોમવારે રજાનાં દિવસે પણ પાર્ક ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નિયમોનું પાલન શક્ય નહીં હોવાથી બોટિંગ હજુ પણ બંધ રાખવામાં આવ્યું છે છતાં વિવિધ ફરવાનાં સ્થળોનાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઈશ્વરીયા પાર્ક દરરોજ સવારે 10થી રાતે 8 સુધી ખુલ્લુ રહેશે
રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઝૂ, રામવન અને ગાંધી મ્યુઝીયમ તેમજ અટલ સરોવર રજામાં મુલાકાત લઈ શકાય એવા છે. જ્યારે જિલ્લા તંત્ર દ્વારા બનાવાયેલા ઈશ્વરીયા પાર્કની પણ મજા અલગ છે. ઈશ્વરીયા પાર્ક આગામી 5 નવેમ્બર સુધી દરરોજ સવારે 10થી રાતે 8 સુધી ખુલ્લુ રહેશે. ઈશ્વરીયા પાર્કમાં પ્રકૃતિ, ડાયનોસૌર પાર્ક, ગ્રીનરી માણવા લોકો ઉમટી રહ્યા છે. આવી જ રીતે ઝૂમાં સિંહ, વાઘ, દિપડા, હરણ, રીંછ, વાંદરા સાથે સરિસૃપ નિહાળી પક્ષીઓનો કલરવ પણ માણવા માટે લોકોની ભીડ જામી રહી છે. અટલ સરોવરમાં આજે આતશબાજીનો કાર્યક્રમ
આ ઉપરાંત રાજકોટનું અટલ સરોવર નવું નજરાણું છે અને ત્યાં સહેલાણીઓ સાંજે 5:30થી રાતે 11:30 સુધી જઈ શકે છે. આ સરોવરનું સંચાલન મનપાએ ખાનગી પાર્ટીને સોંપ્યું છે. ક્યુબ કન્સ્ટ્રક્શન નામની આ કંપનીએ અટલ સરોવરની ટિકિટ ઓન લાઈન મેળવી શકાય એવી વ્યવસ્થા કરી છે. જ્યાં ટિકિટ ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેન માટે અલગથી ચાર્જ લેવાય છે. મ્યુઝિકલ ફાઉન્ટેન રાત્રે 7:30થી 9:30 વચ્ચે માણી શકાય છે. અટલ સરોવરમાં આજે આતશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, જેની કોઈ અલગ ટિકિટ નથી. રામવન પણ પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ કરાવે એવું છે
ઉલ્લેખનીય છે કે, વડોદરા હરણી બોટકાંટ બાદ રાજ્ય સરકાર દ્વારા બોટિંગ પર મનાઇ કરવામાં આવી હતી. સરકાર દ્વારા તાજેતરમાં બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવિટી માટે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમો-2024 નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. આ નવા કાયદાની જોગવાઇ મુજબ તેની અમલવારી હાલ થઇ શકે તેમ ન હોય દિવાળીના તહેવારમાં ઈશ્વરીયા પાર્કમાં બોટિંગની સુવિધા બંધ રાખવામાં આવી છે તો રામવન પણ પ્રકૃતિના ખોળે એક યાદગાર અનુભવ કરાવે એવું છે. જ્યાં ભગવાન રામની જીવની ઉપર આધારીત પ્રસંગો અને ગ્રીનરીનો આનંદ માણવા લોકો ઉમટી રહ્યા છે.