વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નડા ગામમાં મોડી રાતે બે માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી. પતરાના મકાનમાં મૂકેલા ઘાસના પૂળામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આકાશને ચુંબતી પ્રચંડ આગની જ્વાળાઓએ ગ્રામ્યજનોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ ફટાકડાના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યું છે. આગના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. મકાનમાં ઘાસ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળેલી માહિતી પ્રમાણે, નડા ગામમાં રહેતા દેવજીભાઇ રબારીના પતરાવાળા બે માળના મકાનમાં આગ લાગી હતી. તેઓએ તેમના પતરાના મકાનમાં ઘાસ-ચારો મૂક્યો હતો. ફટાકડાનો તણખો ઘાસના પૂળામાં પડતા આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. પશુઓ માટે રાખવામાં આવેલા સૂકા ઘાસના પૂળામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
આગના બનાવને પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા. સાત ઓરડા નડા વિસ્તારમાં મકાનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ગામ લોકો દ્વારા પાણી મારો ચલાવવામાં આવ્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાથી કાબુમાં આવી ન હતી. દરમિયાન બનાવની જાણ ડભોઇ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે કોઇ જાનહાની નહિ
ભીષણ આગ વધુ ન પ્રસરતા ગામલોકોએ રાહત અનુભવી હતી. જોકે, આગમાં દેવસીભાઇ રબારીનું મકાન બળીને ખાક થઇ ગયું. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી. આ બનાવ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.