બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રોએ ચર્ચા જગાવી છે જેને કારણે અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે. ડ્રોની લાલચે લોકોને ન આવવા થરાદ Dy.SPએ સરહદી પંથકના લોકોને અપીલ કરી છે. થોડા દિવસ પહેલા બનાસકાંઠા સાંસદે પણ ડ્રોને લઇને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં હાલ ડ્રોના ગેરકાયદેસર ધંધા ફુલ્યા ફાલયા છે. અલગ અલગ નામથી ડ્રો કરવામાં આવે છે. જેમાં જેના નામનો ઉપયોગ કરવામાં આવે એમને નક્કી કરેલી રકમ આપવામાં આવે છે અને બાકીની રકમ આયોજકોના ખિસ્સામાં જાય છે એવી ચર્ચાઓ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ડ્રોનું આયોજન થાય છે. કેટલીક જગ્યાએ તો ડ્રો કરવાની પદ્ધતિમાં પણ ગેરરીતિ થઈ હોવાની રાડ છે પણ તંત્રની ઢીલી નીતિના પાપે ડ્રોના નામે કરોડો રૂપિયાની ઠગાઈની સ્કીમ બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહી છે. ડ્રોને લઇ Dy.SPનું નિવેદન
બનાસકાંઠા જિલ્લામાં ચાલતાં ડ્રોને લઇ થરાદ Dy.SPએ મીડિયા સમક્ષ પંથકના લોકોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ થરાદ, માવસરી, વાવ, પાંથાવાડા, ધાનેરા વિસ્તારમાં હાલ લોકોને કોઈ ગૌમાતાના નામે કોઈ અનાથ બાળકોના નામે કે આવી બીજી લોભામણી બીજી કોઈ જાહેરાતના બાના હેઠળ લોકો પાસેથી પૈસા ઉઘરાવી ટિકિટો વેચી પછી ડ્રોની સિસ્ટમ કરીને કોઈ ટ્રેક્ટર લાગશે, કાર લાગશે, મોટરસાયકલ લાગશે એવું કરે છે. ડ્રો કરતાં આવા લોકોથી ખુબ ચેતવાની જરૂર છે. ખરેખર આ વસ્તુ છે એ ગેરકાયદે છે. આવી ડ્રો સિસ્ટમ કરવા માટે સરકાર પાસેથી કાર્યવાહી કરીને લાયન્સ લેવા પડતાં હોય છે. જાહેર જનતાને વિનંતી કરતાં Dy.SPએ જણાવ્યું હતું કે, આવી લોભામણી જાહેરાતમાં કોઈ છેતરાયા નહીં અનૈ લોકો આવી કોઈ સ્કીમમાં પોતાના કિંમતી નાણા વેડફાય નહીં એટલે લોકો સાવચેત રહે. ડ્રોના આયોજકોને પોલીસે જાહેર ચેતવણી આપી
જે કોઈ આવી યોજનાઓ કરતાં હોય તે યોજના કરનાર લોકોને જાહેર ચેતવણી આપું છું કે, આ કરવું એ ગેરકાયદે છે. આ બાબતે કાયદાકીય જોગવાઈ છે અને આ ગુનો છે. આમાં પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે જેથી આવી કોઈ કાર્યવાહી કરવી ઉચિત નથી. જેથી કરીને કોઈ જાહેર જનતાને ગેરમાર્ગે દોરે નહીં અને લોકોના નાણાં પડાવે નહીં. ડ્રો બાબતે સાંસદ ગેનીબેનનું નિવેદન
આવા જ એક ડ્રોને લઈને બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, હું નામ નહીં લઉં જાહેરમાં પણ થરાદ વિસ્તારના એક ભાઈનો મને ફોન આવ્યો મને કહે કે બેન અમે એક ડ્રોનું આયોજન કર્યું છે. તમે આવજો એટલે મેં એને પૂછ્યું કે, શાના માટે ડ્રો કરો છો તો કે અનાથ બાળકો માટે એ અને ટ્રસ્ટ વાવ બાજુનું છે. પછી એ ભાઈએ મને કહ્યું કે, બેન આમાં અમારો વ્યક્તિગત સ્વાર્થ પણ છે એટલે પછી મેં એને આવવાની ના પાડી દીધી. પણ આવા ડ્રો ન થવા જોઈએ ગાયો માટે કરો છો તો એ ઠીક છે, બાકી બીજી કોઈ રીતે આવા ડ્રો કરીને પોતાનો વ્યક્તિગત લાભ ન કરવો જોઈએ. હવે તો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે પણ આવા ડ્રો કરતા આયોજકો ઉપર લાલ આંખ કરી છે. ત્યારે ગેનીબેન ઠાકોરે અનાથ બાળકોના નામે ડ્રો કરતા આયોજકો વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.