અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન પર મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા દાવા કરવામાં આવ્યા હોવા અંગેના વકફ ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન દ્વારા કોર્પોરેશનની 31 જેટલી જમીનોના ટર્મિનલમાં દાવા ચાલતા હોવા અંગેના ઘટસ્ફોટ બાદ અમદાવાદ મુસ્લિમ સુન્ની વકફ કમિટી દ્વારા ગોમતીપુર ચાર તોડા કબ્રસ્તાન, એલિસબ્રિજ નગરી હોસ્પિટલ પાસે પીર કમાલ મસ્જિદ સહિત વિવિધ જગ્યાના દાવા મામલે ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આમાં જમીન મામલે કોઈ વાદવિવાદ ચાલતો નથી. જો કે, ચાર તોડા કબ્રસ્તાનમાં અને નગરી હોસ્પિટલ પાસે કબ્રસ્તાનની જગ્યા પાસે જ અનેક ગેરકાયદેસર દબાણો છે. વકફ બોર્ડના દાવા અંગે સુન્ની મુસ્લિમ કમિટીની સ્પષ્ટતા
અમદાવાદ સુન્ની મુસ્લિમ કમિટીના સેક્રેટરી ઈકબાલ માલવતે મ્યુનિસિપલ કોર્પોરેશનની 31 જમીન ઉપર વકફ બોર્ડના દાવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસથી જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનો પર વકફ બોર્ડની માલિકીના દાવા અંગેની વાત સામે આવી છે. ત્યારે અમદાવાદ સુન્ની મુસ્લિમ કમિટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારી અથવા અર્ધસરકારી વિભાગ સામે ગુજરાત વકફ ટ્રિબ્યુનલમાં કોઈપણ જમીન કે મિલકતના ટાઈટલ એટલે કે, માલિકી અથવા હકના દાવા કરવામાં આવ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ અધિકારીઓ દાવામાં હાજર રહેતા ન હોવાથી વકફ ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ કાઢી છે જે બેજવાબદારી છુપાવવા આ દાવાની વાત ઉપજાવવામાં આવી હોવાનું કહ્યું છે. AMCની 31 જમીન પરના દાવા પર કાર્યવાહી થશે
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મામલે જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની 31 જમીન પર જે દાવા કરવામાં આવ્યા છે તે જમીનના માલિકી અને હકના દાવાને સંબંધીત છે. કમિટી દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી છે, તેમાં કેટલાક બાબતમાં તેઓ કબજો લેવાની વાત કરે છે. તો કેટલીક બાબતમાં કબજો લેતા રોકવાની સ્પષ્ટતા કરી રહ્યા છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ટ્રિબ્યુનલ શરૂ થતાની સાથે જ આ તમામ કેસો પર કાયદાકીય રીતે કાર્યવાહી થશે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ તમામ બાબતો વકફ દ્વારા AMC સામે દાખલ કરવામાં આવી છે. તેથી તેઓએ ઉપરોક્ત બાબતોમાં સબમિશન અને સુનાવણી હાથ ધરવાની રાહ જોવી જોઈએ. માલિકી અથવા કબજો નક્કી કરવા અને સ્પષ્ટ કરવા માટે તેમના માટે વહેલું હશે. વર્ષ 2021થી 2024 સુધીમાં 12 જેટલા દાવા થયાં
અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા સૌથી વધારે શહેરના બૂમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાન મામલે વર્ષ 2021થી 2024 સુધીમાં 12 જેટલા દાવા કરવામાં આવેલા છે. જેમાં દાવા નંબર 208/2021, 212/2022, 266/2022, 385/2022, 464/2022, 538/2022, 1/2023, 2/2023, 237/2023, 238/2023, 372/2023 અને 56/2024 છે. કબ્રસ્તાન પરના ગેરકાયદે બાંધકામ અટકાવવામાં AMC નિષ્ફળ
ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલમાં ગોમતીપુર ખાતે વકફ કમિટીની માલિકી અને સંચાલન હેઠળ આવેલ ચારતોડા કબ્રસ્તાનમાં કેટલાક ગેરકાયદેસરના દબાણદારો, ઘુસણખોરો, ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા દબાણ અને ગેરકાયદેસરના બાંધકામ અટકાવવા માટે મનાઈ મેળવવા માટે કરેલા છે. આ કબ્રસ્તાનની જમીન અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીની માલિકીની છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર થતા બાંધકામો અટકાવવાની અને રોકવાની કાનૂની અને નૈતિક જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. કોર્પોરેશન આ કામગીરી કરતુ ના હોય, તેમને અમારે આ દાવાઓમાં કોર્પોરેશનને કાયદાની જરૂરિયાત મુજબ પક્ષકાર બનાવવાની જરૂર પડી છે અને આ દાવા હાલ પેન્ડિંગ છે. આ દાવાઓમાં પણ જમીન કે મિલકતના ટાઈટલનો કોઈ વાદવિવાદ કોર્પોરેશન સામે નથી. કબ્રસ્તાન પરનો કોટ ન તોડે તે માટે દાવો કરાયો
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં નગરી હોસ્પિટલ સામે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી સંચાલિત હઝરત પીર કમાલ કબ્રસ્તાન આવેલું છે. તેમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીએ ફરતો કોટ બનાવેલો છે. આ કોટ કોર્પોરેશન તોડી ના નાખે તે માટે સુન્ની મુસ્લિમ વકફ કમિટીએ કોર્પોરેશન સામે મનાઈનો દાવા નં.164/2022 દાખલ કરેલો છે. આ દાવામાં પણ કોઈ વિવાદ નથી. દાવામાં કોઈ ટાઈટલનો વાદવિવાદ નહિ
દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ સ્ટેશનની સામે આવેલ હઝરત આલમખાન ચિશ્તી સાહેબનો રોજો આવેલો છે અને સાથે કબ્રસ્તાન પણ છે. આ રોજામાં પ્રવેશ કરવામાં માટેના માર્ગો કોર્પોરેશને બંધ કરી દેતા તે માર્ગો ફરી ચાલુ કરાવવા અને કબરો તથા વકફની મિલકતોને કોર્પોરેશન નુકશાન ના પહોંચાડે કે તોડફોડ ના કરે તે માટે વકફ કમિટીએ દાખલ કરેલો છે. આમાં કોઈ ટાઈટલનો વાદવિવાદ નથી. આ દાવો સિટી સિવિલ કોર્ટમાંથી ટ્રાન્સફર થઈને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં આવેલો છે. વકફ ટ્રિબ્યુનલમાં તેનો નંબર વકફ અરજી નં.139/2016 પડેલો છે, જે હાલ પેન્ડિંગ છે. આ દાવો મૂળ અમદાવાદની મહેરબાન સિટી સિવિલ કોર્ટમાં વકફ કમિટી તરફથી સને 2007માં દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો નં.238/2007 પડ્યો હતો. બંધ ઉર્દુ શાળાનો કબજો કોર્પોરેશન પાસેથી મેળવવા અરજી
શહેરના રીલીફ રોડ પર GPO પાસે વર્ષો પહેલા ઉર્દુ સ્કુલ ચલાવવા માટે માસિક રૂ.78.75 ભાડેથી વકફ મિલકત કોર્પોરેશનને ભાડે આપી હતી. આ ઉર્દુ શાળા કોર્પોરેશને ઘણા સમયથી બંધ કરી દીધી છે અને આ મિલકત બિન વપરાશમાં બંધ હાલતમાં પડેલી છે. આ મિલકત વકફ કમિટીની માલિકીની હોય તેનો કબજો કોર્પોરેશન પાસેથી પરત મેળવવા અંતે ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલમાં અરજી દાખલ કરેલી છે. જેનો વકફ અરજી નંબર 2/2019 જે પેન્ડિંગ છે. આ અરજી ભાડુઆત અને મકાન માલિકની છે. આમાં કોઈ ટાઈટલનો વાદવિવાદ નથી. જ્યારે વકફ પરચુરણ અરજી નંબર 44/2021માં શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીની વકફ મિલકતના ભાડુઆતો, પેટા ભાડુઆતો, દબાણદારો વગેરે પાસેથી કબજો મેળવવા કરેલા દાવા-અરજીઓમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને આ વકફ મિલકતોનો કબજો આ દબાણદારો પાસેથી ખાલી કરાવડાવી વકફ કમિટીને સોંપવા માટેના હુકમો કરેલા છે. તેનો અમલ કરવામાં આવતો ના હોવાથી તેનો અમલ કરાવવા માટે આ અરજી કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સામે દાખલ કરેલી છે. આમાં કોઈ પણ જમીન કે મિલકતના ટાઈટલનો વાદવિવાદ નથી.