આજે નૂતન વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને નવા વર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો થલતેજ ખાતે નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં. વ્હીલ ચેર પર શુભેચ્છા પાઠવવા આવેલા કાર્યકર્તાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સામેથી શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા. તો સુરતમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલે પણ પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા હતા. તેઓએ લોકોને અપીલ કરી હતી કે પોતાના ઘરે વિકસિત ભારત અને જલ સંસાધનને લઈ દીપ પ્રગટાવે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ શહેર પ્રમુખ અમિત પી. શાહ, મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણી સહિત અમદાવાદનાં ધારાસભ્યો, કોર્પોરેટરો અને અમદાવાદના પૂર્વ ધારાસભ્યો સહિતના લોકો નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા આવેલા એક બાળકને તેનું નામ પૂછ્યું હતું. બાદમાં ડાયરીના પાના પર હિન્દીમાં દિવ્યને શુભકામનાઓ એવું લખીને આપ્યું હતું. 2047 વિકસિત ભારત અને જળસંચય જન ભાગીદારીના નામે દીપ પ્રગટાવીએ: પાટીલ
કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલે આજે નવા વર્ષ પર પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને મળવા આવ્યા હતા અને નવ વર્ષની શુભેચ્છાઓ આપી હતી. ‘એક દીપ જન આંદોલનના નામે પણ પ્રગટાવીએ’
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. છેવાડાના પગથીયા પર દરેક વ્યક્તિ સુધી સુખ સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. દિવાળીના પર્વ નિમિત્તે આપણે દીપ પ્રગટાવીએ છીએ. દીપમાળા પ્રગટાવવાના પગલે અંધકાર દૂર થાય છે. આપણે એક દિવસ દિવાળીના નામે દીપ પ્રગટાવીએ. એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ. એક દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર 2047 સુધી વિકસિત ભારતના નામે પ્રગટાવીએ અને એક દીપ જળસંચય જન ભાગીદારી તેમજ જન આંદોલનના નામે પ્રગટાવીએ.