તમામ પ્રકારના દાનમાં અન્નદાનને સૌથી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. રૂપિયા સહિતના દાનમાં વ્યક્તિની ભુખ ક્યારેય સંતોષાતી નથી. જો કે, ભોજનની ભુખ અન્નથી સંતોષાઈ જાય છે. ત્યારે “ભૂખ કરતા પણ ભૂંડી છે ભીખ” આ વાતને ચરિતાર્થ કરી રહ્યાં છે અમદાવાદના જીવન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નિલેશભાઈ જાની. જેઓ સાવ ટોકન દરે સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજન પીરસે છે. ગાંધીનગરમાં તેમણે જીવન પ્રસાદ ઘર નામે શરૂ કરેલી ભોજનની સેવાનો લાભ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો સહિત અનેક નાગરિકો મેળવે છે. એકાદ વર્ષ અગાઉ ગાંધીનગરમાં શરૂ થયેલ જીવન પ્રસાદ ઘર નામે નજીવા ટોકન દરે સ્વચ્છ અને સારી ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજનની સેવા ગુજરાતના અલગ અલગ સ્થળોએથી શહેરમાં આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બની છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ જાની એક ખાનગી ટેલિકોમ કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ કંપનીના અન્ય સાતેક સહકર્મીઓ સાથે મળીને સમય મળે વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં યોગદાન આપતાં કે કોઈ સંસ્થાના સેવાકાર્યોમાં જોડાતા હતા. એકવાર તેઓ અમદાવાદ આરટીઓ કચેરીએ પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવવા ગયા હતા ત્યારે રીશેષ પડી જવાથી સર્કલ પાસે ઉભા હતા. ત્યારે એક પરિવાર ત્યાં મહેસાણા તરફ જવાની બસની રાહ જોતો બેઠો હતો. જેમાં પિતા સંતાનોને બેસાડીને ઘડીકમાં બસ કે અન્ય વાહન ઉભુ રહે ત્યાં પૂછવા જાય તો ઘડીકમાં નાસ્તાની લારીએ જઈને પૂછીને પાછો આવે પણ ના નાસ્તો ખરીદે કે ના બસમાં બેસે. આ જોઈએ નિલેશભાઈએ સહજ રીતે પુછ્યું તો જાણવા મળ્યું કે તે એક ખેડૂત હતો અને તેઓ સિવિલ હોસ્પિટલમાં કોઈ કામથી ગયા હતા. જેમાં વધુ ખર્ચ થઈ જતા પરત જતા ખિસ્સામાં પૈસા ખૂબ ઓછા વધ્યા હતા. જેનાં કારણે તે કાં તો પરિવારને નાસ્તો કરાવી શકે કા તો બસ ભાડું ખર્ચી શકે. છેવટે નિલેશભાઈ આગ્રહ કરીને તેને પૈસા આપી આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો પરંતુ ત્યારે નિલેશભાઈને થયું કે આવા સારી પરિસ્થિતિ ધરાવતા નાગરિકોને પણ જમવાના સમયે ભોજન ના મળે તો તકલીફ પડી શકે છે. જેથી સસ્તા દરે સારું ભોજન મળવાની સુવિધા હોવી જોઈએ. આ પછી તેમણે જીવન ચેરિટેબલ ટ્રસ્ટનાં નેજાં હેઠળ ટોકન ભાવે સારું અને સ્વાદિષ્ટ ભોજન મળે તેની સેવા શરૂ કરી જે અત્યારે છેલ્લા ચાર વર્ષથી અમદાવાદ ગોતામાં ગોતેશ્વર એસ્ટેટના નાકે, આરટીઓ સર્કલ પાસે જેલ ભજીયા હાઉસની બાજુમાં, દૂધેશ્વર વિસ્તારમાં સુમેલ-6 સોસાયટી પાસે અને ઈક્રમટેક્સ ચાર રસ્તા નજીક એસબીઆઇ બેકની બાજુમાં કાર્યરત છે. એજ રીતે ગાંધીનગરમાં પણ એકાદ વર્ષથી સેક્ટર-6 અપના બજાર , સેકટર – 21 ખાતે પણ નિયમિત “જીવન પ્રસાદ” સેવા શરૂ કરી છે. જે રવિવારે પણ ઉપલબ્ધ હોય છે. અને રવિવારે તેમના ધર્મ પત્ની જયશ્રીબેન ઉપરાંત તેમના બે સંતાનો મતીશ અને મુદ્રા પણ તેમાં જોડાય છે. આજે ગાંધીનગરમાં જીવન પ્રસાદ ઘરનો 1500 થી વધુ લોકો લાભ લઈ રહ્યા છે. રોજના એક લાખ લોકોને ટોકન દરે જમાડવાની ઇચ્છા વ્યક્ત કરી નિલેશ જાનીએ જણાવ્યું કે, સામાન્ય રીતે આપણા સમાજમાં કોઈના ઘરે અવસાન થાય ત્યારે તેના ત્યાં આવેલા સ્નેહીજનો માટે આડોશી- પાડોશીઓ ભોજન સેવા પૂરી પાડીને સમય સાચવી લેતા હોય છે. જોકે કોરોના મહામારીમાં એવી હાલત હતી કે કોઈના ઘરે અવસાન થયું હોય ત્યારે આવી ભોજન સેવા આપવા પણ કોઈ જતું ન હતું તેવા સમયે નિલેશભાઈએ “શ્રદ્ધાંજલિ પ્રસાદ” નામથી ભોજન સેવા શરૂ કરીને જેના ઘરે મરણ પ્રસંગ બન્યો હોય તેને ત્યાં આવેલા 25 વ્યક્તિઓ જમી શકે તેવી ભોજન પૂરું પાડવાની સેવા શરૂ કરી હતી. જીવન ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચલાવવાથી આ ભોજન સેવા માટે તેમણે ગોતા વિસ્તારમાં પોતાનું કિચન શરૂ કર્યું છે. જ્યાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવણી સાથે સારી ગુણવત્તાવાળા અનાજ કરિયાણા અને મિનરલ વોટરનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરવામાં આવે છે. આ કિચનમાં ભોજન રાંધવામાં આવે તે પહેલા દરરોજ જગદીશભાઈ રાવલ નામના એક મહારાજ આવીને જ ત્રણ કલાક સુધી ચંડીપાઠ કરે છે. તેઓ પૂજાનું ગંગાજળ મિનરલ વોટરમાં મિક્સ કરે એ પાણીથી ભોજન રાંધવામાં આવે છે. રસોઈ દરમિયાન કોઈ કર્મચારી અને કિચનમાં માત્ર ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ ચાલુ હોય છે. ભોજન તૈયાર થયા બાદ કિચનમાં રાખેલ અન્નપૂર્ણા માતાના મંદિરે આરતી કરવામાં આવે છે. જેમાં રસોઈમાંથી પ્રસાદનો થાળ ધરાવાય છે અને આરતી પત્યા પછી તે થાળ પાછો રસોઈમાં મિક્સ કરી દેવાય છે. આ રીતે તૈયાર કરેલો પ્રસાદ “જીવન પ્રસાદ” તરીકે પીરસવા માટે પહોંચે છે. જ્યાં ‘જીવન પ્રસાદ” સેવા આપવામાં આવે છે ત્યાં પણ સ્વચ્છતા જાળવવા સાથે મિનરલ પાણીની સેવા પણ પૂરી પાડવામાં આવે છે. આ સેવાનો લાભ શ્રમિકો, નિરાધાર બાળકો, ફેરીયાઓ, એકલવાયા વૃદ્ધો, અશક્ત વિકલાંગો ઉપરાંત વટેમાર્ગુઓ , પ્રવાસીઓ, નાના વેપારીઓ, સિક્યુરિટી ગાર્ડ, ટ્રાફિક પોલીસ, નોકરિયાતો અને યુવાનો પણ મેળવે છે. જીવન પ્રસાદ સેવા ઉપરાંત તેઓ રોજગારલક્ષી સહાય, ગૌસેવા અને અબોલ જીવો માટે સેવા તેમજ પ્રકૃતિ સેવાના કર્યો પણ કરે છે. આ સેવા કાર્યમાં તેમની સાથે લગભગ ત્રિસેક વ્યક્તિનો સ્ટાફ જોડાયેલો છે જેમને રોજગારી મળે છે. જેમાં 25થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પૈકી આઠ કર્મચારી પરિવારોને તેમણે દત્તક લીધેલા છે જેમના સંતાનોના શિક્ષણ અને સ્કૂલવાન વગેરેનો ખર્ચ તેઓ ભોગવે છે તેમ જ પરિવારને તબીબી સેવાનો ખર્ચ પણ તેઓ ઉઠાવે છે. ખાસ કરીને જીવન પ્રસાદ ઘર ગાંધીનગરમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને માટે આશીર્વાદ સમાન બની ગયું છે. આ અંગે ગાંધીનગરમાં પીએસઆઇની પરીક્ષાની તૈયારી કરતી મૂળ કચ્છની વતની નેહા આહિરે જણાવ્યું કે, છ એક મહિનાથી જીવન પ્રસાદ ઘરમાં સવાર સાંજ બંને ટાઈમ જમુ છું. અહીંનું જમવાનું ખાઈને મને મારી મમ્મીની રસોઈ યાદ આવી જાય છે. એકદમ શુદ્ધ સાત્વિક ઘર જેવું જ ભોજન હોવાથી કોઈ તકલીફ પડતી નથી. તો છેલ્લા એકાદ વર્ષથી ભોજન સેવાનો લાભ લેતા પાલનપુરનાં અર્જુનસિંહ રાજપૂતે જણાવ્યું કે, અહીંયા વિધાર્થીઓનો મેઇન પ્રશ્ન જમવાનો દૂર થઈ ગયો છે. જીવન પ્રસાદ અમારા વિધાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે. આ સંસ્થાનું જમી એ એટલે હાશકારો થાય છે.