રાજકોટમાં લોકોને દાયકાઓથી ભારે ક્યુલેક્સ એટલે કે મોટા કદ અને તીવ્ર ડંખ મારતા મચ્છરોનો ત્રાસ રહ્યો છે. જેના નિવારણ માટે મહાનગરપાલિકાએ વર્ષ 2020માં 3.20 કરોડના ખર્ચે ગાંડી વેલ દૂર કરવાના 2 મશીન ખરીદ્યા હતા. શહેરમાં બેડી યાર્ડ નજીક પસાર થતી આજી નદીમાં ગાંડી વેલના પગલે મચ્છરોનો અસહ્ય ત્રાસ સર્જાતા માર્કેટ યાર્ડના ખેડૂતો, વેપેરીઓ અને મજુરોએ અનેક દિવસો સુધી ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન કર્યું હતું. લાઠીચાર્જ થયો હતો. આ વખતે યાર્ડ પાસે વહેતી નદીમાં મચ્છરો માટે સ્વર્ગસમાન ગાંડી વેલ (જળકુંભી) દૂર કરવા મનપાએ સુરત મહાનગરપાલિકા પાસેથી મહિને 9 લાખના ભાડેથી મશીન મેળવવું પડ્યું હતું. બાદમાં મનપાએ આવા 2 મશીન વસાવ્યા હતા. આ મશીન ચલાવવા, જાળવણી વગેરે માટે મનપાએ એક મશીનના 1.60 કરોડ ઉપરાંત 58 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. જોકે, હાલ આ બંને મશીન ધૂળ ખાઈ રહ્યા છે. આજી નદીમાં ગાંડી વેલ ચાદર પથરાઈ
શહેરની ભાગોળે આજી નદીથી મચ્છરોના ઝુંડના ઝુંડનું આક્રમણ થવા લાગ્યું છે. કોર્પોરેશન દ્વારા થતો કરોડોનો ખર્ચ અને અનેક પ્રયાસો પાણીમાં ગયા હોય તેમ આજી નદીમાં ગાંડી વેલ ચાદર પથરાઈ ગઈ છે. જેને કારણે તેની અંદર જ જીવલેણ મચ્છરોએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને ઝૂંડ સ્વરૂપે મચ્છરો શહેરની અંદર આક્રમણ કરી રહ્યા છે. મનપાની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ મુકપ્રેક્ષક બની હોય તેમ શહેર પર મચ્છરજન્ય જીવલેણ રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે. આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડી વેલનો ફેલાવો થાય છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે
હાલ બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડી વેલ ચાદર પથરાઇ ગઇ છે અને તેમાંથી જ મચ્છરોના ઝુંડ રાજકોટમાં ઘૂસી રહ્યા છે, ત્યારે મચ્છરો શહેરમાં જીવલેણ રોગચાળો ફેલાવે એ પહેલાં નીંભર તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે. જો આમ નહીં થાય તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે. આ મશીન મોટરબોટ ઉપર ફીટ કરાયેલું હોય છે. જેમાં 13 ઘનમીટરની સંગ્રહ ટાંકી હોય છે. ગાંડી વેલને મૂળમાંથી ઉખેડીને આ મશીનની સ્ટોરેજ ટેન્ક ભરાય એટલે કિનારે ઠાલવીને એક કલાકમાં જ અનેક ફેરાં કરી શકાય છે. જોકે, આ મશીન ચલાવવા માટે 2 મીટર એટલે કે આશરે 7 ફૂટની ઉંડાઈ હોવી જરૂરી છે, પરંતુ મોટી સમસ્યા ઉંડા જળમાં થતી ગાંડી વેલ દૂર કરવાની જ હોય છે. દૂર કરવા મનપા પાસે કોઈ નક્કર આયોજન નથી
બેડી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે લાખો રૂપિયાની મશીનરી વસાવવામાં આવી હતી, ત્યારે મનપા, કલેક્ટર તંત્રએ એવો દાવો કર્યો હતો કે, ગાંડી વેલ ઉખેડવાની સાથે નદીમાં કેરોસીન-કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવશે. જેથી ગાંડી વેલ મૂળથી દૂર થઈ જશે. જોકે, આ દાવો ખોટો સાબિત થયો છે અને ગતવર્ષ કેમિકલનો છંટકાવ કર્યા છતાં ગાંડી વેલ બેકાબૂ બની હોય તેમાંથી જીવલેણ મચ્છરો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ મચ્છરોનાં ત્રાસથી આસપાસની સોસાયટીમાં લોકોને દિવસે પણ બારી-બારણા બંધ રાખવા પડે છે. હાલ મહાનગરપાલિકા પાસે એવા કોઈ નક્કર સાધનો અથવા તો નક્કર આયોજન નથી જેનાથી ગાંડી વેલના દૂષણને દૂર કરી શકાય. બેડી નાકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હાલ આ 2 મશીનને રાખી દેવામાં આવ્યા છે અને સાવ નોન યુઝ મશીન હોવાથી તેની હાલત પણ અત્યંત બિસ્માર બની ગઈ છે. ખબર નહીં છેલ્લે ક્યારે ગાંડી વેલને દૂર કરાઈ હતી
તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વિભાગના અધિકારીઓને પણ ખબર નહીં હોય કે છેલ્લે ક્યારે આ મશીનનો ઉપયોગ ગાંડી વેલને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં હવે આ વેલનો ઉપદ્રવ ન વધે તે માટે મહાનગરપાલિકા પાસે કોઈ નક્કર આયોજન હાલ નથી. ઊલટું સંબંધિત વિભાગના અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે, આ દુષણને દૂર કરવું જ અશક્ય છે. કારણકે જો આ દુષણને દૂર કરવું હોય તો પાણીની નીચે રહેતા જે વન્ય નાના નાના જીવો છે તેને તેની મોટી અસરનો સામનો કરવો પડશે. મતલબ એ જ થયો કે એ જીવોને નુકસાન ન પહોંચાડવા માટે શહેરમાં ભલે રોગચાળો ફાટી નીકળે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કરોડોના ખર્ચ 2 મશીન ખરીદ્યા છતાં કોઈ ઉપયોગ નહીં
બીજી સૌથી મોટી વાત એ છે કે, મહાનગરપાલિકા પાસે આ અંગે કોઈ નક્કર આયોજન નથી કે ક્યારે આ વેલને દૂર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે. અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્રને માત્ર જ્યારે રજૂઆત અથવા તો ફરિયાદ ઉઠે કે ગાંડી વેલનું દુષણ વધ્યું છે, ત્યારે જ એ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે આવનારા દિવસોમાં આ પ્રશ્ન અત્યંત વિકટ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મશીનો અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા માલુમ પડ્યું કે, મશીનની હાલત પણ અત્યંત દયનિય થઈ ગઈ છે. જો હજુ પણ આનો ઉપયોગ કરવામાં નહીં આવે તો નુકસાની થશે. તેનો માર કોના ઉપર તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મહાનગરપાલિકા દ્વારા આ 2 મશીન લેવામાં આવ્યા હતા, પરંતુ તેનો જે ઉપયોગ થવો જોઈએ તે થયો નથી. ઊલટું આજી નદી આજુબાજુ ગાંડી વેલ ફરી જોવા મળી રહી છે. ત્યારે જો આ અંગે કોઈ નક્કર નિર્ણય અથવા તો આયોજન હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી રાજકોટમાં રોગચાળો ફાટી નીકળશે, ત્યારે તેનું જવાબદાર કોણ તે જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ તેમ લોકો અને તજજ્ઞ જણાવી રહ્યા છે.