દિલ્હીના બેર સરાય રેડ લાઈટ ક્રોસિંગ પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે ટ્રાફિક પોલીસકર્મીઓ કારના બોનેટ પર લટકી રહ્યા છે, જ્યારે ડ્રાઈવર પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો છે અને તે બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટના શનિવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ હોવાની જણાવવામાં આવી રહી છે. દિલ્હીના બેર સરાયનો આ વીડિયો રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કરી રહ્યો છે. વીડિયો જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પોલીસ જ સુરક્ષિત નથી ત્યારે જનતાનું શું થશે? પોલીસકર્મીઓ બોનેટ પર લટકી રહ્યા છે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની કાર છે. બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર યુ-ટર્ન લઈ રહી હતી. પરંતુ કાર ચાલક રોકાતો નથી. આ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો પોતાનો જીવ બચાવવા કારના બોનેટ પર લટકી જાય છે. આ છતા ડ્રાઈવર કારને રોકતો નથી અને પોલીસકર્મીઓને બોનેટ પર લટકાવીને લગભગ 100 મીટર સુધી ઢસડી જાય છે. પછી તે બ્રેક મારે છે, જેના કારણે એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ નીચે પડી જાય છે. કારનો ડ્રાઇવર ફરાર થઈ જાય છે આ પછી કાર વળે છે અને કારનો ડ્રાઇવર ફરીથી બ્રેક મારે છે અને અન્ય ટ્રાફિક જવાનને પણ નીચે પછાડી દે છે. આ પછી તે કાર લઈને ફરાર થઈ જાય છે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો કાર ડ્રાઈવરને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ કાર એટલી સ્પીડમાં હોય છે કે લોકો તેની નજીક જવાની હિંમત કરી શકતા નથી.